પ્રાર્થનાઓ અને ધ્યાન
શ્રી માતાજીનો સંદેશ
વર્ષ ૧૯૪૧-૧૯૪૮ દરમ્યાન
મૂળ ફ્રેન્ચમાંથી અંગ્રેજી અનુવાદના પુસ્તક માટે અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવના
આ સંદેશ આપ | અહીં સાંભળો |
કેટલાક પ્રભુને પોતાનો આત્મા આપતા હોય છે, તો કેટલાક પોતાનું જીવન આપતા હોય છે, કેટલાક પોતાનું કામ અર્પણ કરે છે, કેટલાક પોતાનું ધન અર્પણ કરે છે. થોડાક જ લોકો પોતાની આખીયે જાત અને પોતાની પાસે જે કાંઈ હોય છે – આત્મા, જીવન, કર્મ, સંપત્તિ એ બધું અર્પિત કરી દે છે; આ છે પ્રભુનાં સાચાં બાળકો. બીજાઓ કાંઈ જ આપતા હોતા નથી. આ લોકો તેમની સ્થિતિ, સત્તા અને સંપત્તિ ભલે ગમે તે પ્રકારનાં હોય પરંતુ પ્રભુનાં કાર્યને માટે કશા મૂલ્ય વિનાનાં મીંડાં છે.
આ પુસ્તક જેઓ પ્રભુને પોતાનું પરમ પૂર્ણ સમર્પણ કરવાની અભીપ્સા રાખે છે તેમને માટે છે.
– શ્રી માતાજી
Background Layer
વર્ષ : ૧૯૧૨
૨ નવેમ્બર ૧૯૧૨
આ પ્રાર્થના | અહીં સાંભળો |
મારું આખુંયે સ્વરૂપ આમ તો જોકે સિદ્ધાંત રૂપે તને સમર્પિત થઈ ચૂકેલું છે, હે પરમોત્તમ પ્રભુ, પદાર્થમાત્રમાં રહેલા હે જીવન, હે પ્રકાશ અને પ્રેમ, છતાં આ સમર્પણને બધી વિગતોમાં પાર પાડવાનું મને હજી મુશ્કેલ લાગે છે. આ લખાયેલા ધ્યાન પાછળનું કારણ, તેની યથાર્થતા એ તો તને સંબોધીને તે લખાય છે તે હકીકતમાં જ રહેલાં છે એ સમજતાં મને કેટલાંયે અઠવાડિયાં લાગ્યાં છે. આ રીતે હું તારી સાથે મારે ઘણી વાર જે વાર્તાલાપ થાય છે તેમાંથી થોડું થોડું રોજ સ્થૂલ આકારમાં રજૂ કરીશ; તારી સમક્ષ હું મારાથી બનતી સારી રીતે મારું આત્મનિવેદન કરીશ; અને તે એટલા માટે નહિ કે હું તને કાંઈ પણ કહી શકું તેમ છું – કેમ કે તે પોતે જ પ્રત્યેક પ્રદાર્થ રૂપે રહેલો છે, પરંતુ અમારી જોવાની અને સમજવાની જે કૃત્રિમ અને બાહ્ય રીત છે તે, જો એમ કહી શકાય તો, તારા માટે એક વિજાતીય વસ્તુ છે. તારી પ્રકૃતિથી વિરુદ્ધની છે. છતાં હું તારા પ્રત્યે અભિમુખ બની રહીશ, આ વસ્તુઓનો હું વિચાર કરતી હોઈશ તે વેળા તારા પ્રકાશમાં હું લીન થઈ જઈશ, અને વસ્તુઓ તેમના સાચા સ્વરૂપમાં જે રીતે છે તે રીતે તેમને થોડે થોડે કરીને વધારે જોતી થઈશ,– અને એક દિવસે, હું મને પોતાને તારી સાથે એકરૂપતામાં એક કરી દઈશ, અને મારે તને કાંઈ જ કહેવાનું રહેશે નહિ, કેમ કે ત્યારે તો હું તારા રૂપે જ બની ગઈ હોઈશ. હું આ લક્ષ્યમાં પહોંચવા માગું છું; મારા સર્વ પ્રયત્નો આ વિજય પ્રત્યે વધુ બનતા રહેશે. હું એ દિવસની અભીપ્સા કરું છું કે જ્યારે હું “હું” એમ કહી શકીશ નહિ, કેમ કે હું તું બની ગઈ હોઈશ
.
દિવસમાં, હજી પણ, કેટલીય વાર હું મારું કામકાજ તને સમર્પિત કર્યા વિના કરતી રહું છું. મને એક ન કહી શકાય તેવી બેચેની થઈ આવતાં હું આ વિષે એકદમ સભાન બની જાઉં છું. મારા શરીરની સંવેદનતામાં આ બેચેની મારા હૃદયમાં એક દર્દનું રૂપ લે છે. એ થતાં મારા કામને હું મારાથી અલગ કરીને જાઉં છું અને એ મને હસવા જેવું, બાલિશ કે દોષપાત્ર દેખાય છે; હું એનો અફસોસ કરું છું, એક ક્ષણ માટે હું દિલગીર બની જાઉં , અને પછી હું તારી અંદર ડૂબકી મારી જાઉં છું અને એક બાળકના જેવા વિશ્વાસથી ત્યાં મને પોતાને ભૂલી જાઉં , અને મારી અંદર અને મારી આસપાસ – એ બે વસ્તુઓ એક જ છે, રહેલી ભૂલને સુધારી લેવા માટે જોઈતી પ્રેરણા અને શક્તિ મને મળે તેની રાહમાં બેસું છું; કેમ કે હવે તો મને સર્વ કર્મોને સંપૂર્ણ રીતે એકબીજા ઉપર આધાર રાખતાં કરી આપતી એક વિશ્વવ્યાપક એકતાનું સતત અને ચોક્કસ દર્શન મળી આવ્યું છે.
3 નવેમ્બર ૧૯૧૨
૧૯ નવેમ્બર ૧૯૧૨
આ પ્રાર્થના | અહીં સાંભળો |
એ યુવાન અંગ્રેજ ખૂબ જ સાચા ભાવથી તને શોધી રહ્યો છે. મેં તેને ગઈ કાલે કહ્યું કે મને તારાં સાચેસાચાં દર્શન થઈ ગયાં છે, મિલન અખંડ બની રહ્યું છે. ખરેખર, હું આ રીતની અવસ્થા અનુભવી રહી છું. મારા સર્વ વિચારો તારા તરફ જ ગતિ કરે છે, મારાં સર્વ કાર્યો તને સમર્પિત બની રહે છે; તારું સાંનિધ્ય મારા માટે એક સંપૂર્ણ, અવિચલ, અવિકારી હકીકત બની રહ્યું છે અને તારી શાંતિ મારા હૃદયમાં સતત નિવાસ કરી રહી છે. છતાં હું જાણું છું કે મિલનની આ અવસ્થા આવતી કાલે હું તેને જે રીતે સાક્ષાત્ કરી શકીશ તેની તુલનામાં દરિદ્ર અને અસ્થિર છે, અને હું હજી મને જે એકરૂપતા મળવાની છે તેનાથી દૂર છું, બેશક ઘણી દૂર છું, એ એકરૂપતામાં મારો “હું” નો ખ્યાલ સાવ પૂરેપૂરો ચાલ્યો ગયો હશે. મારી વાત કહેવાને હું હજી પણ એ “હું” નો ઉપયોગ કરું છું, પણ હું જ્યારે જ્યારે તેને વાપરું છું ત્યારે મને દરેક વખતે તે એક બંધન જેવો લાગે છે, જે વિચાર વ્યક્ત થવા માગતો હોય છે તેને વ્યક્ત કરવાને તે અયોગ્ય શબ્દ જેવો લાગે છે. માણસની રીતનો વ્યવહાર કરવા માટે એ મને અનિવાર્ય તો લાગે છે, પરંતુ આ “હું” કઈ વસ્તુને આવિર્ભાવ આપે છે તેના ઉપર બધો આધાર રહે છે; અને હું જ્યારે તેનો ઉચ્ચાર કરું છું ત્યારે કેટલીયે વાર મારી અંદર તું જ બોલતો હોય છે, કેમકે મારામાંથી ભેદની લાગણી ચાલી ગઈ છે.
પરંતુ આ બધું હજી બાલ્યાવસ્થામાં છે અને તે પૂર્ણતા પ્રત્યે આગળ વધતું રહેશે. તારી સર્વ-શક્તિમાં આ જે સ્વસ્થતાભરેલો વિશ્વાસ છે એ કેટલી બધી તો શાંતિદાયક ખાતરી બની રહે છે.
તું સર્વ કાંઈ છે, સર્વત્ર છે, અને સર્વમાં છેઅને આ કાર્ય કરી રહેલું શરીર એ, જેવી રીતે આ દૃશ્યમાન જગત સંપૂર્ણપણે તારું પોતાનું જ શરીર છે, તે રીતે તારું પોતાનું જ શરીર છે; આ પદાર્થતત્ત્વમાં તું જ શ્વાસ લઈ રહ્યો છે, વિચાર કરી રહ્યો છે, પ્રેમ કરી રહ્યો છે, આ શરીર તે તું પોતે જ હોઈ, એ તારો સદા તત્પર સેવક બનવાની ઈચ્છા રાખે છે.
૧૦ ડિસેમ્બર ૧૯૧૨
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હે પરમ પ્રભુ, શાશ્વત ગુરુ, તારા સંચાલનમાં પૂર્ણ વિશ્વાસ રાખવાથી જે અનન્ય સફળતા મળી આવે છે એની સત્યતા નાણી જોવાનું સદ્દભાગ્ય ફરી એક વાર મને મળ્યું છે. ગઈ કાલે તારો પ્રકાશ મારા મુખ દ્વારા આવિર્ભાવ પામ્યો હતો અને તેને મારામાં કશો અવરોધ નડ્યો ન હતો; એ કરણ સંમતિપૂર્ણ હતું, તરલ, તીક્ષ્ણ હતું.
પ્રત્યેક વસ્તુમાં અને પ્રત્યેક વ્યક્તિમાં તું જ કર્તા રૂપે રહેલો છે, અને જે કોઈ સર્વ કર્મોમાં અપવાદ વિના તને જોઈ શકે તેટલું તારી નિકટમાં આવેલું છે તેને એ જ્ઞાન થશે કે પ્રત્યેક કર્મને કેવી રીતે એક આશીર્વાદ રૂપ બનાવી લેવાય તેમ છે.
હંમેશાં તારી અંદર આવીને બેસી જવું એ જ એક માત્ર મહત્ત્વની વસ્તુ છે, હંમેશાં અને સદાય વધુ ને વધુ તારામાં આવી રહેવું, ભ્રાંતિઓ અને ઇન્દ્રિયોની વંચનાઓથી પર, કર્મમાંથી પાછા હઠી જવાનું નહિ, તેનો ઇનકાર નહિ, તેને ફેંકી દેવાનું નહિ એ સંઘર્ષ નિરર્થક છે અને દુષ્ટ છે પરંતુ કર્મની અંદર, પછી તે ગમે તે કર્મ હો, કેવળ તારા રૂપે જ બની રહેવું સદાય અને હંમેશાં; તે પછી ભ્રાંતિ વેરાઈ જાય છે, ઇન્દ્રિયોનાં અસત્યો વેરાઈ જાય છે. કાર્યકારણનું બંધન તૂટી જાય છે. સર્વ કાંઈ તારા શાશ્વત સાંનિધ્યની છલકાતી સભરતાના આવિર્ભાવમાં પલટાઈ જાય છે.
તો એ ભલે થાઓ. તથાસ્તુ.
૮ માર્ચ ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |