પ્રાર્થનાઓ અને ધ્યાન
શ્રી માતાજીનો સંદેશ
૧૯૪૧-૧૯૪૮
મૂળ ફ્રેન્ચમાંથી અંગ્રેજી અનુવાદના પુસ્તક માટે અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવના
આ સંદેશ | અહીં સાંભળો |
કેટલાક પ્રભુને પોતાનો આત્મા આપતા હોય છે, તો કેટલાક પોતાનું જીવન આપતા હોય છે, કેટલાક પોતાનું કામ અર્પણ કરે છે, કેટલાક પોતાનું ધન અર્પણ કરે છે. થોડાક જ લોકો પોતાની આખીયે જાત અને પોતાની પાસે જે કાંઈ હોય છે – આત્મા, જીવન, કર્મ, સંપત્તિ એ બધું અર્પિત કરી દે છે; આ છે પ્રભુનાં સાચાં બાળકો. બીજાઓ કાંઈ જ આપતા હોતા નથી. આ લોકો તેમની સ્થિતિ, સત્તા અને સંપત્તિ ભલે ગમે તે પ્રકારનાં હોય પરંતુ પ્રભુનાં કાર્યને માટે કશા મૂલ્ય વિનાનાં મીંડાં છે.
આ પુસ્તક જેઓ પ્રભુને પોતાનું પરમ પૂર્ણ સમર્પણ કરવાની અભીપ્સા રાખે છે તેમને માટે છે.
– શ્રી માતાજી
વર્ષ : ૧૯૧૨
૨ નવેમ્બર ૧૯૧૨
આ પ્રાર્થના | અહીં સાંભળો |
મારું આખુંયે સ્વરૂપ આમ તો જોકે સિદ્ધાંત રૂપે તને સમર્પિત થઈ ચૂકેલું છે, હે પરમોત્તમ પ્રભુ, પદાર્થમાત્રમાં રહેલા હે જીવન, હે પ્રકાશ અને પ્રેમ, છતાં આ સમર્પણને બધી વિગતોમાં પાર પાડવાનું મને હજી મુશ્કેલ લાગે છે. આ લખાયેલા ધ્યાન પાછળનું કારણ, તેની યથાર્થતા એ તો તને સંબોધીને તે લખાય છે તે હકીકતમાં જ રહેલાં છે એ સમજતાં મને કેટલાંયે અઠવાડિયાં લાગ્યાં છે. આ રીતે હું તારી સાથે મારે ઘણી વાર જે વાર્તાલાપ થાય છે તેમાંથી થોડું થોડું રોજ સ્થૂલ આકારમાં રજૂ કરીશ; તારી સમક્ષ હું મારાથી બનતી સારી રીતે મારું આત્મનિવેદન કરીશ; અને તે એટલા માટે નહિ કે હું તને કાંઈ પણ કહી શકું તેમ છું – કેમ કે તે પોતે જ પ્રત્યેક પ્રદાર્થ રૂપે રહેલો છે, પરંતુ અમારી જોવાની અને સમજવાની જે કૃત્રિમ અને બાહ્ય રીત છે તે, જો એમ કહી શકાય તો, તારા માટે એક વિજાતીય વસ્તુ છે. તારી પ્રકૃતિથી વિરુદ્ધની છે. છતાં હું તારા પ્રત્યે અભિમુખ બની રહીશ, આ વસ્તુઓનો હું વિચાર કરતી હોઈશ તે વેળા તારા પ્રકાશમાં હું લીન થઈ જઈશ, અને વસ્તુઓ તેમના સાચા સ્વરૂપમાં જે રીતે છે તે રીતે તેમને થોડે થોડે કરીને વધારે જોતી થઈશ,– અને એક દિવસે, હું મને પોતાને તારી સાથે એકરૂપતામાં એક કરી દઈશ, અને મારે તને કાંઈ જ કહેવાનું રહેશે નહિ, કેમ કે ત્યારે તો હું તારા રૂપે જ બની ગઈ હોઈશ. હું આ લક્ષ્યમાં પહોંચવા માગું છું; મારા સર્વ પ્રયત્નો આ વિજય પ્રત્યે વધુ બનતા રહેશે. હું એ દિવસની અભીપ્સા કરું છું કે જ્યારે હું “હું” એમ કહી શકીશ નહિ, કેમ કે હું તું બની ગઈ હોઈશ.
દિવસમાં, હજી પણ, કેટલીય વાર હું મારું કામકાજ તને સમર્પિત કર્યા વિના કરતી રહું છું. મને એક ન કહી શકાય તેવી બેચેની થઈ આવતાં હું આ વિષે એકદમ સભાન બની જાઉં છું. મારા શરીરની સંવેદનતામાં આ બેચેની મારા હૃદયમાં એક દર્દનું રૂપ લે છે. એ થતાં મારા કામને હું મારાથી અલગ કરીને જાઉં છું અને એ મને હસવા જેવું, બાલિશ કે દોષપાત્ર દેખાય છે; હું એનો અફસોસ કરું છું, એક ક્ષણ માટે હું દિલગીર બની જાઉં , અને પછી હું તારી અંદર ડૂબકી મારી જાઉં છું અને એક બાળકના જેવા વિશ્વાસથી ત્યાં મને પોતાને ભૂલી જાઉં , અને મારી અંદર અને મારી આસપાસ – એ બે વસ્તુઓ એક જ છે, રહેલી ભૂલને સુધારી લેવા માટે જોઈતી પ્રેરણા અને શક્તિ મને મળે તેની રાહમાં બેસું છું; કેમ કે હવે તો મને સર્વ કર્મોને સંપૂર્ણ રીતે એકબીજા ઉપર આધાર રાખતાં કરી આપતી એક વિશ્વવ્યાપક એકતાનું સતત અને ચોક્કસ દર્શન મળી આવ્યું છે.
3 નવેમ્બર ૧૯૧૨
૧૯ નવેમ્બર ૧૯૧૨
આ પ્રાર્થના | અહીં સાંભળો |
એ યુવાન અંગ્રેજ ખૂબ જ સાચા ભાવથી તને શોધી રહ્યો છે. મેં તેને ગઈ કાલે કહ્યું કે મને તારાં સાચેસાચાં દર્શન થઈ ગયાં છે, મિલન અખંડ બની રહ્યું છે. ખરેખર, હું આ રીતની અવસ્થા અનુભવી રહી છું. મારા સર્વ વિચારો તારા તરફ જ ગતિ કરે છે, મારાં સર્વ કાર્યો તને સમર્પિત બની રહે છે; તારું સાંનિધ્ય મારા માટે એક સંપૂર્ણ, અવિચલ, અવિકારી હકીકત બની રહ્યું છે અને તારી શાંતિ મારા હૃદયમાં સતત નિવાસ કરી રહી છે. છતાં હું જાણું છું કે મિલનની આ અવસ્થા આવતી કાલે હું તેને જે રીતે સાક્ષાત્ કરી શકીશ તેની તુલનામાં દરિદ્ર અને અસ્થિર છે, અને હું હજી મને જે એકરૂપતા મળવાની છે તેનાથી દૂર છું, બેશક ઘણી દૂર છું, એ એકરૂપતામાં મારો “હું” નો ખ્યાલ સાવ પૂરેપૂરો ચાલ્યો ગયો હશે. મારી વાત કહેવાને હું હજી પણ એ “હું” નો ઉપયોગ કરું છું, પણ હું જ્યારે જ્યારે તેને વાપરું છું ત્યારે મને દરેક વખતે તે એક બંધન જેવો લાગે છે, જે વિચાર વ્યક્ત થવા માગતો હોય છે તેને વ્યક્ત કરવાને તે અયોગ્ય શબ્દ જેવો લાગે છે. માણસની રીતનો વ્યવહાર કરવા માટે એ મને અનિવાર્ય તો લાગે છે, પરંતુ આ “હું” કઈ વસ્તુને આવિર્ભાવ આપે છે તેના ઉપર બધો આધાર રહે છે; અને હું જ્યારે તેનો ઉચ્ચાર કરું છું ત્યારે કેટલીયે વાર મારી અંદર તું જ બોલતો હોય છે, કેમકે મારામાંથી ભેદની લાગણી ચાલી ગઈ છે.
પરંતુ આ બધું હજી બાલ્યાવસ્થામાં છે અને તે પૂર્ણતા પ્રત્યે આગળ વધતું રહેશે. તારી સર્વ-શક્તિમાં આ જે સ્વસ્થતાભરેલો વિશ્વાસ છે એ કેટલી બધી તો શાંતિદાયક ખાતરી બની રહે છે.
તું સર્વ કાંઈ છે, સર્વત્ર છે, અને સર્વમાં છેઅને આ કાર્ય કરી રહેલું શરીર એ, જેવી રીતે આ દૃશ્યમાન જગત સંપૂર્ણપણે તારું પોતાનું જ શરીર છે, તે રીતે તારું પોતાનું જ શરીર છે; આ પદાર્થતત્ત્વમાં તું જ શ્વાસ લઈ રહ્યો છે, વિચાર કરી રહ્યો છે, પ્રેમ કરી રહ્યો છે, આ શરીર તે તું પોતે જ હોઈ, એ તારો સદા તત્પર સેવક બનવાની ઈચ્છા રાખે છે.
26 નવેમ્બર 1912
આ પ્રાર્થના | અહીં સાંભળો |
પ્રત્યેક ક્ષણે મારે તારા પ્રત્યે આભારનું ગીત કેવું તો ગાતા રહેવું ના જોઈએ! મારી આસપાસ સર્વત્ર અને સર્વની અંદર તું તારું સ્વરૂપ પ્રગટ કરી રહ્યો છે અને મારામાં તારેં સંકલ્પ અને ચેતના પોતાને હંમેશાં વધુ ને વધુ વ્યક્ત કરી રહ્યાં છે અને તે એટલે સુધી કે “હું” અને “મારું” ની સ્થૂલ ભ્રાંતિ મારામાંથી લગભગ સંપૂર્ણ ચાલી ગઈ છે. તારો આવિર્ભાવ કરી રહેલા એ મહા પ્રકાશમાં જો થોડાક પડછાયાઓ, થોડીક ક્ષતિઓ દેખી શકાતી હશે તો તે તારા તેજોમય પ્રેમની અભુત તેજસ્વિતા આગળ ક્યાં સુધી ટકી રહેશે? આજે સવારે, આ સ્વરૂપ કે જે “હું” હતું તેને તું જે રીતે ઘડી રહ્યો છે તેનું મને જે જ્ઞાન થયું તેનું વર્ણન કંઈક આ રીતે કરી શકાય કે એ જાણે એક મોટા હીરાને રીતસરની ભૂમિતિની આકૃતિઓવાળા પાસા પાડવામાં આવી રહ્યા છે, એમાં હીરાની જેવી સઘનના, દૃઢતા, વિશુદ્ધ નિર્મળતા, પારદર્શકપણું આવી રહેલાં છે, પરંતુ તે એના તીવ્ર સતત પ્રગતિ કરતા જીવનમાં એક તેજસ્વી અને ઝળહળતી જ્વાલા જેવું છે. પરંતુ આ સ્વરૂપ આ બધા કરતાં કાંઈક વિશેષ હતું, કાંઈક વિશેષ સારું હતું, કારણ કે બાહ્ય તેમ જ આંતર રીતનું સર્વ સંવેદન લગભગ ચાલી ગયેલું હતું અને હું બાહ્ય જગત સાથે સભાન સંપર્કમાં જ્યારે પાછી આવવા લાગી ત્યારે મારા મન સમક્ષ માત્ર તે જ આકૃતિ દેખાતી હતી.
એ અનુભૂતિને ફલદાયક બનાવનાર તે તું જ છે, જીવનને પ્રગતિમાન કરનાર તે તું જ છે, પ્રકાશની આગળ અંધકારને ક્ષણ માત્રમાં અદશ્ય થઈ જવાની ફરજ પાડનાર તે તું જ છે, પ્રેમને તેની સર્વશક્તિ આપનાર તે તું જ છે, આ તીવ્ર અને અભુત અભીપ્સામાં, શાશ્વતી માટેની આ પરમ તૃષામાં જડતત્ત્વને સર્વત્ર ઊંચે ઉઠાવનાર તે તું જ છે.
તું જ સર્વત્ર અને સદાય; તત્ત્વ રૂપે તેમ જ આવિર્ભાવની અંદર તે સિવાય કાંઈ જ નહિ. - ઓ પડછાયા અને ભ્રાંતિ, ઓગળી જાઓ! ઓ વેદના, ઝાંખી થઈ જ અને અદૃશ્ય થઈ જા! પરમ પ્રભુ, શું તું ત્યાં નથી!
૨૮ નવેમ્બર ૧૯૧૨
આ પ્રાર્થના | અહીં સાંભળો |
આપણું બાહ્ય જીવન, આપણા પ્રત્યેક દિવસની અને પ્રત્યેક પલની પ્રવૃત્તિ એ શું આપણા ધ્યાન અને ચિંતનના કલાકોની અનિવાર્ય એવી પૂર્તિ જેવાં જ નથી? અને ધ્યાન તથા કર્મો પાછળ આપણે જે પ્રમાણમાં વખત આપીએ છીએ તે જ પ્રમાણ સાધના અને સાક્ષાત્કાર માટે લેવા પડતા શ્રમની વચ્ચે પણ શું નથી હોતું? કારણ કે ધ્યાન, ચિંતન, મિલન એ તો આપણને આવી મળતું પરિણામ છે-ખીલી ઊઠતું પુષ્પ છે; રોજે રોજની પ્રવૃત્તિ એ તો એક એરણ જેવી છે, કે જેના ઉપર તમામ તત્ત્વોને એકેએક કરીને ધરી દેવાનાં રહે છે. અને એ રીતે ચિંતન એમના માટે જે પ્રકાશ મેળવી આપે છે તે માટે તેમને વિશુદ્ધ કરવાનાં છે, સંસ્કારવાનાં છે, સૂક્ષ્મ અને પક્વ કરવાનાં છે. પૂર્ણ વિકાસને માટે બાહ્ય પ્રવૃત્તિની જરૂર ન રહેવા પામે તે પૂર્વે આ બધાં તત્ત્વોને આ રીતે એક પછી એક કસોટીમાંથી પસાર કરવાનાં જ રહે છે. એ પછી આ પ્રવૃત્તિ તારો આવિર્ભાવ કરવા માટેનું સાધન બની રહે છે અને તે દ્વારા ચેતનાનાં બીજાં કેન્દ્રોને ઘડતરના અને પ્રકાશપ્રાપ્તિના એક જ બેવડા કાર્ય માટે જાગૃત કરવામાં આવશે. આટલા માટે અભિમાન અને આત્મ-સંતોષ એ સૌથી ખરાબમાં ખરાબ વિઘ્નો છે. આપણે બહુ જ વિનમ્રપણે આપણને મળતી એકેએક નાનામાં નાની તકનો લાભ ઉઠાવી લેવાનો છે અને એ દ્વારા આપણામાં રહેલાં અનેક તત્ત્વોમાંથી કેટલાંકને ગૂંદવાનાં અને વિશુદ્ધ કરવાનાં છે, એમને મુલાયમ કરવાનાં છે, બિનઅંગત કરવાનાં છે, એ પોતાની જાતને ભૂલી જતાં શીખે, ત્યાગ અને ભક્તિ અને માયાળુતા અને નમ્રતા શીખે એમ કરવાનું છે; અને જ્યારે સ્વરૂપના આ બધા ભાવો આ તત્ત્વોને માટે સ્વાભાવિક બની જાય ત્યારે પછી તેઓ ચિતનમાં ભાગ લેવા માટે અને એ પરમ એકાગ્રતામાં તારી સાથે પોતાને એકરૂપ કરવા તૈયાર બને છે. એટલા માટે મને લાગે છે કે ઉત્તમોત્તમ વ્યક્તિઓ માટે પણ આ કામ લાંબું અને ધીમું રહેવાનું અને એકદમ થઈ જતાં પરિવર્તનો સર્વાંગીણ બની શકે તેમ નથી. એ પરિવર્તનો સ્વરૂપની અવસ્થા રચનાને બદલી આપે છે, સ્વરૂપને નિશ્ચિત
રીતે સીધા માર્ગ ઉપર મૂકી આપે છે; પરંતુ વ્યક્તિએ સાચી રીતે લક્ષ્યની સિદ્ધિ મેળવવી હશે તો તેણે હરેક પ્રકારના અને હરેક પળના અનુભવો મેળવવાની જરૂર રહે છે. તેમાંથી તે છટકી જઈ શકશે નહિ.
...હે પરમ પ્રભુ, તું મારા સ્વરૂપમાં તેમ જ પ્રત્યેક પદાર્થમાં પ્રકાશી રહ્યો છે, તારો પ્રકાશ આવિર્ભાવ પામો અને સર્વને માટે તારી શાંતિનું સામ્રાજ્ય બની આવો.
૨ ડિસેમ્બર ૧૯૧૨
આ પ્રાર્થના | અહીં સાંભળો |
જ્યાં સુધી સ્વરૂપનું એક પણ તત્ત્વ, વિચારની એક પણ ક્રિયા બહારની અસરોને હજી પણ આધીન બનેલાં રહે છે, એ કેવળ તારી જ અસર હેઠળ આવી જતાં નથી, ત્યાં સુધી એમ ન કહી શકાય કે સાચું મિલન બની આવ્યું છે; હજી પણ એક ભયંકર મિશ્રણ કશી પણ વ્યવસ્થિતતા અને પ્રકાશ વિનાનું ચાલી રહેલું છે, – કેમ કે એ તત્ત્વ, એ ક્રિયા એ એક જગત છે, અવ્યવસ્થા અને અંધકારનું જગત છે, સ્થૂલ જગતમાં જેવી રીતે આખીયે પૃથ્વી આવી રીતની છે, અખિલ વિશ્વમાં જેવી રીતે સ્થૂલ જગત આવી રીતનું છે તે પ્રમાણે.
૩ ડિસેમ્બર ૧૯૧૨
આ પ્રાર્થના | અહીં સાંભળો |
ગઈ રાત્રે મને અનુભવ થયો કે તારા માર્ગદર્શન આગળ કરાતા શ્રદ્ધાપૂર્વકના સમર્પણની અસરકારકતા કેવી તો હોય છે; જ્યારે કોઈ વસ્તુ જાણવાની જરૂર ઊભી થાય છે ત્યારે આપણને તેનું જ્ઞાન મળી આવે છે, અને તારા પ્રકાશ પ્રત્યે મન જેટલું વધારે શાંત રહેતું હોય છે તેટલા પ્રમાણમાં એ જ્ઞાનની અભિવ્યક્તિ વધારે સ્પષ્ટ અને વધારે સમુચિત બનતી હોય છે.
તું મારા અંતરમાં બોલી રહ્યો હતો તે વેળા હું તને સાંભળી રહી હતી, અને તેં જે કહેલું કે મને લખી લેવાનું મન થયેલું, – કે જેથી એ વસ્તુ એની આખીયે ચોકસાઈપૂર્વક જળવાઈ રહે – કેમ કે હવે તો હું જે કહેવાયું હતું તેને ફરીથી કહી શકીશ નહિ. પછી મને વિચાર આવ્યો કે આ રીતે સાચવી રાખવાની ચિંતા રાખવી એ પણ તારા પ્રત્યેના વિશ્વાસમાં એક અપમાનકારક અભાવ બની રહે છે, કેમ કે મારે જે કાંઈ બનવાની જરૂર હોય છે તે તું મને બનાવી શકે છે, અને જેટલા પ્રમાણમાં મારી વૃત્તિ તને મારા ઉપર અને મારી અંદર કાર્ય કરવા દે છે તેટલા પ્રમાણમાં તારી સર્વશક્તિમત્તાને કોઈ સીમા હોતી નથી.
૫ ડિસેમ્બર ૧૯૧૨
આ પ્રાર્થના | અહીં સાંભળો |
શાશ્વત પ્રભુ શાંતિમાં અને નીરવતામાં પ્રકટ થાય છે; કોઈ પણ ચીજ તમને ક્ષોભ કરે એમ ન થવા દેશો અને શાશ્વત પ્રભુ પ્રગટ થશે; સર્વ વસ્તુ સામે સંપૂર્ણ સમતા ધારણ કરો અને શાશ્વત પ્રભુ ત્યાં હાજર થશે ... હા, અમારે તને શોધવાની સાધનામાં વધુ પડતી તીવ્રતા, વધુ પડતો પ્રયત્ન ન લઈ આવવાં જોઈએ; એ પ્રયત્ન અને તીવ્રતા તારી સમક્ષ એક આવરણ બની રહે છે; અમારે તારું દર્શન કરવાની ઇચ્છા ન કરવી જોઈએ, કારણ કે એ હજી પણ એક માનસિક આંદોલન બની રહે છે; અને તારા શાશ્વત સાંનિધ્ય ઉપર અંધારું ઢાળી દે છે; અત્યંત પૂર્ણ એવી શાંતિમાં, સ્વસ્થતા અને સમતામાં જ સર્વ કાંઈ તું રૂપે બની રહે છે, જેવી રીતે તે સર્વ રૂપે છે તેવી રીતે, અને આ પૂર્ણ રૂપે શુદ્ધ અને સ્વસ્થ વાતાવરણમાં સહેજ પણ આંદોલન ઊભું થાય તો તે તારા આવિર્ભાવમાં વિઘ્ન રૂપ બને છે. નહિ ઉતાવળ, નહિ અસ્વસ્થતા, નહિ વ્યાકુળતા, તું, તારા સિવાય કાંઈ જ નહિ, કશું પૃથક્કરણ નહિ કે વસ્તુરૂપ આપવાની ક્રિયા નહિ, અને તું ત્યાં હાજર થાય છે, કશી પણ શંકા ન રહે તેમ, કેમ કે સર્વ કાંઈ એક પુનિત શાંતિ અને પવિત્ર નીરવતા બની રહે છે.
અને એ જગતમાંનાં સર્વ કાંઈ ધ્યાન કરતાંયે વધુ સારું હોય છે.
૭ ડિસેમ્બર ૧૯૧૨
આ પ્રાર્થના | અહીં સાંભળો |
નીરવતામાં જલી રહેલી જ્વાલાની માફક, કશા કંપ વિના સીધી ઉપર ચડતી સુગંધની માફક, મારો પ્રેમ તારા પ્રત્યે ગતિ કરે છે; અને કશી દલીલ નહિ કરતા, કશી ચિંતા ન કરતા બાળકની માફક, હું મને પોતાને તારા વિશ્વાસમાં મૂકી દઉં છું કે તારી ઇચ્છા સિદ્ધ થાઓ, તારો પ્રકાશ આવિર્ભાવ પામો, તારી શાંતિ ફેલાઈ રહો, તારો પ્રેમ જગતને આવરી રહો. તારી ઇચ્છા થશે ત્યારે હું તારામાં આવી જઈશ, તારા રૂપે બની રહીશ, અને પછી કશો ભેદ રહેશે નહિ; કોઈ પણ રીતની અધીરાઈ વિના, એ ધન્ય ક્ષણની હું રાહ જોઉં છું, એક શાંત ઝરણું અસીમ સાગર તરફ વહેતું હોય તેમ હું એ ક્ષણ પ્રત્યે મારી જાતને અવિરોધ્યપણે વહેવા દઉં છું.
તારી શાંતિ મારામાં આવી છે, અને એ શાંતિમાં હું કેવળ તને જ સર્વમાં હાજર રહેલો જોઉં છું, શાશ્વતીની સ્વસ્થતાપૂર્વક.
૧૦ ડિસેમ્બર ૧૯૧૨
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હે પરમ પ્રભુ, શાશ્વત ગુરુ, તારા સંચાલનમાં પૂર્ણ વિશ્વાસ રાખવાથી જે અનન્ય સફળતા મળી આવે છે એની સત્યતા નાણી જોવાનું સદ્દભાગ્ય ફરી એક વાર મને મળ્યું છે. ગઈ કાલે તારો પ્રકાશ મારા મુખ દ્વારા આવિર્ભાવ પામ્યો હતો અને તેને મારામાં કશો અવરોધ નડ્યો ન હતો; એ કરણ સંમતિપૂર્ણ હતું, તરલ, તીક્ષ્ણ હતું.
પ્રત્યેક વસ્તુમાં અને પ્રત્યેક વ્યક્તિમાં તું જ કર્તા રૂપે રહેલો છે, અને જે કોઈ સર્વ કર્મોમાં અપવાદ વિના તને જોઈ શકે તેટલું તારી નિકટમાં આવેલું છે તેને એ જ્ઞાન થશે કે પ્રત્યેક કર્મને કેવી રીતે એક આશીર્વાદ રૂપ બનાવી લેવાય તેમ છે.
હંમેશાં તારી અંદર આવીને બેસી જવું એ જ એક માત્ર મહત્ત્વની વસ્તુ છે, હંમેશાં અને સદાય વધુ ને વધુ તારામાં આવી રહેવું, ભ્રાંતિઓ અને ઇન્દ્રિયોની વંચનાઓથી પર, કર્મમાંથી પાછા હઠી જવાનું નહિ, તેનો ઇનકાર નહિ, તેને ફેંકી દેવાનું નહિ એ સંઘર્ષ નિરર્થક છે અને દુષ્ટ છે પરંતુ કર્મની અંદર, પછી તે ગમે તે કર્મ હો, કેવળ તારા રૂપે જ બની રહેવું સદાય અને હંમેશાં; તે પછી ભ્રાંતિ વેરાઈ જાય છે, ઇન્દ્રિયોનાં અસત્યો વેરાઈ જાય છે. કાર્યકારણનું બંધન તૂટી જાય છે. સર્વ કાંઈ તારા શાશ્વત સાંનિધ્યની છલકાતી સભરતાના આવિર્ભાવમાં પલટાઈ જાય છે.
તો એ ભલે થાઓ. તથાસ્તુ.
૧૧ ડિસેમ્બર ૧૯૧૨
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હું કશી ઉતાવળ વિના, કશી અશાંતિ વિના, એક બીજું આવરણ ચિરાઈ જાય, અદ્વૈત વધારે પૂર્ણ બને તેની રાહ જોઈ રહી છું. હું જાણું છું કે એ આવરણ નાની નાની અપૂર્ણતાઓ, અસંખ્ય આસક્તિઓના એક આખાય વંદનું બનેલું છે ... આ બધી ક્યારે ચાલી જશે? ધીરે ધીરે, અગણિત નાના નાના પ્રયત્નો અને એક ક્ષણ માટે પણ અલિત ન બનતી જાગરૂતતાના પરિણામ રૂપે કે, એકાએક જ, તારા સર્વશક્તિમાન પ્રેમના મહા પ્રદ્યોતન દ્વારા? હું નથી જાણતી, હું મને પોતાને એ પ્રશ્ન પૂછતી પણ નથી; હું રાહ જોઉં છું, મારાથી બને તેટલી જાગૃત રહીને, એવા નિશ્ચિત ભાવપૂર્વક કે તારી ઇચ્છા સિવાય બીજું કાંઈ પણ અસ્તિત્વમાં છે નહિ, કેવળ તું જ કર્તા છે, અને હું કરણ છું; અને જ્યારે એ કરણ એક અધિક પૂર્ણ આવિર્ભાવ માટે તૈયાર થશે ત્યારે એ આવિર્ભાવ સાવ સ્વાભાવિક રીતે આવી બનશે.
આવરણની પાછળથી ક્યારનીયે તારા સુમહાન સાંનિધ્યને પ્રગટ કરતા હર્ષની એક અશબ્દ રાગિણી સંભળાઈ રહી છે.
વર્ષ : ૧૯૧૩
૫ ફેબ્રુઆરી ૧૯૧૩
આ પ્રાર્થના | અહીં સાંભળો |
તારો અવાજ મારા હૃદયની ગહન શાંતિમાં એક મધુર રાગિણી જેવો સંભળાઈ રહ્યો છે, અને તે મારા મગજમાં શબ્દોનું રૂપ લઈ રહ્યો છે, એ શબ્દો અધૂરા છે અને છતાં તારા વડે તે સભર ભરાયેલા છે. અને આ શબ્દો પૃથ્વીને સંબોધાયેલા છે અને તેને કહી રહ્યા છે : –– “દીન દુખિયારી પૃથ્વી, સ્મરણ રાખજે કે હું તારામાં હાજર રહેલો છું અને નિરાશ ના થઈશ; તારા હૃદયનો હરેક પ્રયત્ન, હરેક શોક, હરેક આનંદ અને હરેક વેદના, હરેક પુકાર, તારા આત્માની હરેક અભીપ્સા, તારી ઋતુઓનું હરેક પુનરાગમન, સર્વ કાંઈ, વિના અપવાદે બધું જ બધું, તને જે જે કાંઈ શોકભર્યું લાગે છે અને જે જે કાંઈ આનંદમય લાગે છે, તને જે જે કાંઈ કદરૂપું લાગે છે અને જે જે કાંઈ સુંદર લાગે છે, બધું જ તને અચૂક મારા પ્રત્યે લાવી રહ્યું છે, હું કે જે અનંત શાંતિ છું, છાયાહીન પ્રકાશ છું, પૂર્ણ સંવાદિતા છું, સુનિશ્ચિતતા છું, વિશ્રાન્તિ અને પરમ આનંદમયતા છું.
સાંભળ, ઓ પૃથ્વી, આ ઊઠી રહેલા અતિ પરમ અવાજને,
સાંભળ અને નવી ધીરજ ધારણ કરી લે!
૮ ફેબ્રુઆરી ૧૯૧૩
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હે પ્રભુ, તું મારું આશ્રયસ્થાન છે અને આશીર્વાદ છે, તું મારી શક્તિ, મારું આરોગ્ય, મારી આશા, અને મારી હિંમત છે. તું છે પરમ શાંતિ, અમિશ્ર આનંદ, પૂર્ણ સ્વસ્થતા. મારું આખુંયે સ્વરૂપ એક અમેય કૃતજ્ઞ ભાવે અને એક અખંડ પૂજન રૂપે તારી સમક્ષ સાષ્ટાંગ પ્રણામ કરે છે; અને એ પૂજન મારા હૃદયમાંથી અને મનમાંથી તારા પ્રત્યે હિન્દની સુગંધીઓના વિશુદ્ધ ધૂપની પેઠે ઊંચે ચડી રહ્યું છે.
માનવોમાં મને તારો સંદેશવાહક બની રહેવા દે, કે જેથી જે કોઈ તૈયાર હોય તે સર્વે તું મને તારી અનંત દયાથી જે પરમ આનંદ બક્ષી રહ્યો છે તેનો આસ્વાદ કરે, અને પૃથ્વી ઉપર તારી શાંતિનું શાસન થાઓ.
૧૦ ફેબ્રુઆરી ૧૯૧૩
આ પ્રાર્થના | અહીં સાંભળો |
મારું સ્વરૂપ આભારની લાગણીમાં તારા પ્રત્યે ઊંચે ચડી રહ્યું છે, એટલા માટે નહિ કે તું આ દુર્બળ અને અપૂર્ણ શરીરને તારા આવિર્ભાવ માટે કામમાં લઈ રહ્યો છે, પણ એટલા માટે કે તું સાચેસાચ તારો આવિર્ભાવ કરી રહ્યો છે, અને એ જ છે ભવ્ય વસ્તુ, આનંદોનો આનંદ, અદ્દભુતોનું અદ્દભુત. તને આતુર ભાવે શોધી રહેલા સૌ કોઈએ સમજી લેવું જોઈએ કે જ્યારે કાંઈ તારી જરૂર પડે છે ત્યારે તું ત્યાં હોય છે જ; અને એ લોકો જો એવી પરમ શ્રદ્ધા રાખી શકે કે તારી શોધ નથી કરવી, પણ તારી રાહ જોવી છે, અને પ્રત્યેક પળે પોતાની જાતને તારી સેવામાં પૂર્ણપણે મૂકતા રહે તો જ્યારે પણ તારી જરૂર પડશે ત્યારે તું ત્યાં હાજર હોઈશ; અને તારા આવિર્ભાવનાં રૂપો ભલે ગમે તેટલાં જુદાં જુદાં હોય, અને ઘણી વાર અણધાર્યા બની આવતાં હોય, પણ અમારે શું હંમેશાં તારી જરૂર નથી?
તારા વૈભવનો ઉદ્દઘોષ થઈ જવા દો,
અને તે જીવનને પુનિત કરો;
માનવોનાં હૃદયોને તે નવું રૂપ આપો,
અને તારી શાંતિનું રાજ્ય પૃથ્વી ઉપર બનો.
૧૨ ફેબ્રુઆરી ૧૯૧૩
આ પ્રાર્થના | અહીં સાંભળો |
આવિર્ભાવની પાછળથી જ્યારે પ્રયત્ન માત્ર ચાલ્યો જાય છે ત્યારે તે એક ઘણી સરળ વસ્તુ બની જાય છે, એક ફૂલ ખીલી રહ્યું હોય, પોતાની સુંદરતા પ્રગટ કરી રહ્યું હોય, અને કશા કોલાહલ વિના કે ઉગ્ર ચેષ્ટા વિના પોતાની સૌરભ ફેલાવી રહ્યું હોય એના જેવી સરળતાપૂર્વક એ બને છે. અને આ સરળતામાં મહાનમાં મહાન શક્તિ રહેલી છે, એ ઓછામાં ઓછા મિશ્રણવાળી હોય છે અને હાનિ કરે તેવા પ્રત્યાઘાતો ઓછામાં ઓછા ઉત્પન્ન થવા દે છે. પ્રાણની શક્તિ ઉપર વિશ્વાસ રાખવો ન જોઈએ, કાર્યના માર્ગ ઉપર એ લલચાવનારી મોહિની છે, અને તેના ફંદામાં સપડાઈ જવાનું જોખમ હંમેશાં રહેલું છે, કેમ કે એ તમને તાત્કાલિક બની આવતા પરિણામનો સ્વાદ ચખાડી આપે છે; અને, કામને સારું કરવાની આપણી પ્રથમ આતુરતામાં, આપણે પોતાને આ શક્તિનો ઉપયોગ કરવામાં વહી જવા દઈએ છીએ. પરંતુ આ વસ્તુ થોડા જ સમયમાં કર્મને સાચા રસ્તેથી દૂર લઈ જાય છે અને આપણે જે કરતાં હોઈએ છીએ તેમાં ભ્રાંતિ અને મૃત્યુનું બીજ દાખલ કરી દે છે.
સરળતા, સરળતા! તારા સાંનિધ્યની નિર્મળતા કેવી તો મધુર છે!...
૧૧ મે ૧૯૧૩
આ પ્રાર્થના | અહીં સાંભળો |
મારે માથે કોઈ સ્થૂલ જવાબદારીઓ હોતી નથી ત્યારે આ બધી વસ્તુઓ વિષેના વિચારો મારામાંથી દૂર દૂર ભાગી જાય છે, અને હું કેવળ તારા ધ્યાનમાં અને તારી સેવામાં જ સર્વભાવે લાગી જાઉં છું. પછી, એ પૂર્ણ શાંતિમાં અને સ્વસ્થતામાં, હું મારી સંકલ્પશક્તિને તારી સંકલ્પશક્તિ સાથે જોડી લઈ છું, એ પૂર્ણ નીરવતામાં હું તારા સત્યને સાંભળવા પ્રયત્ન કરું છું અને તેની વાણીને સાંભળું છું. તારી સંકલ્પશક્તિ વિષે સભાન બનાય છે અને તેની સાથે અમારી સંકલ્પશક્તિને એકરૂપ કરાય છે ત્યારે સાચી મુક્તિનું અને સર્વશક્તિમત્તાનું રહસ્ય, શક્તિઓના નવસર્જનનું તથા સ્વરૂપના નવનિર્માણનું રહસ્ય મળી આવે છે.
પળે પળે અને પૂર્ણ રૂપે તારી સાથે એકત્વ પામવું એટલે કે એવો વિશ્વાસ પ્રાપ્ત કરવો કે અમે હરેક વિપ્નને ઓળંગી જઈશું અને બધી મુશ્કેલીઓ ઉપર, આંતર તેમ જ બાહ્ય, વિજય પામીશું.
ઓ પ્રભુ, પ્રભુ, એક નિ:સીમ હર્ષ મારા હૃદયને ભરી રહ્યો છે, આનંદનાં ગીતો મારા મસ્તકમાં અદ્દભુત તરંગોમાં ઊછળી રહ્યાં છે, અને તારા નિશ્ચિત વિજયની પૂર્ણ પ્રતીતિ અનુભવતાં હું એક પરમ શાંતિ અને અજેય શક્તિ મેળવી રહી છું. તું મારા સ્વરૂપને ભરી રહ્યો છે, તું એને સજીવન રાખી રહ્યો છે, તું એની ગુપ્ત કમાનોને ગતિમાં મૂકી રહ્યો છે, તું એની સમજશક્તિને આલોકિત કરી રહ્યો છે, તું એના જીવનને તીવ્ર બનાવી રહ્યો છે, તું એના પ્રેમને દશગુણ વધારી રહ્યો છે, અને હવે તો હું જાણતી જ નથી કે આ વિશ્વ તે હું છું કે હું તે વિશ્વ છે, તું મારી અંદર છે કે હું તારી અંદર છું; કેવલ તું જ માત્ર છે અને સર્વ કાંઈ તે તું છે; અને તારી અનંત કૃપાના પ્રવાહો જગતને ભરી રહ્યા છે અને છલકાઈ રહ્યા છે.
ગાઓ ઓ દેશો, ગાઓ ઓ પ્રજાઓ, ગાઓ ઓ માનવો,
પ્રભુની સંવાદિતા આવી ગઈ છે.
૧૮ જૂન ૧૯૧૩
આ પ્રાર્થના | અહીં સાંભળો |
તારા પ્રતિ અભિમુખ થવું, તારી સાથે સાયુજ્ય પામવું, તારામાં અને તારા અર્થે જીવન ધારણ કરવું, એ છે પરમ સુખ, અમિશ્ર આનંદ, અવિચલ શાંતિ; એ છે અનંતતાનો ઉચ્છવાસ લેવો, શાશ્વતીમાં ઊંચે ઊંચે ચડી જવું, પોતાની મર્યાદાઓનો વધુ અનુભવ ન કરવો, સ્થળ અને કાળમાંથી છૂટી જવું. આ વરદાનોથી જાણે કે લોકો ડરતા હોય તેમ તેમનાથી કેમ દૂર ભાગતા હશે? દુ:ખમાત્રનું મૂળ એવું આ પેલું અજ્ઞાન, એ તે કેવી વિચિત્ર વસ્તુ છે! આ અંધકાર મનુષ્યોને જે એકમાત્ર વસ્તુ તેમને સુખ આપી શકે છે તેની જ પાસે જતાં રોકી રાખે છે, આ અંધકાર મનુષ્યોને નર્યા સંઘર્ષ અને વેદનાથી ઘડાયેલા આ સામાન્ય જીવનની દુ:ખપૂર્ણ નિશાળમાં જકડી રાખે છે એ કેવી તો કરુણ દશા છે!
૨૧ જુલાઈ ૧૯૧૩
આ પ્રાર્થના | અહીં સાંભળો |
...પણ કેટલી બધી તો ધીરજની જરૂર છે! પ્રગતિના તબક્કા કેવા તો અદશ્ય જેવા હોય છે!...
ઓહ! મારા હૃદયની અપાર ગહનતામાંથી હું તને કેવી તો પુકારી રહી છું, ઓ સત્ય જ્યોતિ, ઓ પરમ પ્રેમ, દિવ્ય ગુરુ! તું જ અમને જીવન અને પ્રકાશ આપી રહ્યો છે, તું જ અમને દોરી રહ્યો છે અને રક્ષણ આપી રહ્યો છે, તું જ અમારા આત્માનો આત્મા છે અને અમારા જીવનનું જીવન છે, તું જ અમારા સ્વરૂપના સ્વરૂપનું કારણ છે, તું જ પરમ જ્ઞાન છે, અવિચલ શાંતિ છે.
૨૮ નવેમ્બર ૧૯૧૩
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હે દિવ્ય ગુરુ, અમારી પ્રાર્થના છે કે આજનો દિવસ, અમે તારા સંકલ્પને વધુ સંપૂર્ણ સમર્પણ કરીએ, તારા કાર્યને અમારો વધુ સંપૂર્ણ ઉપહાર કરીએ, અમારી જાતનું અમે વધુ વિસ્મરણ કરીએ, એક વધુ મહાન પ્રકાશ પ્રગટ થાય, એક વધુ વિશુદ્ધ પ્રેમ પ્રાપ્ત થાય તે માટેનો એ પ્રસંગ બની રહો; અમારી પ્રાર્થના છે કે તારી સાથે હંમેશાં વધુ ને વધુ ઊંડા અને વધુ ને વધુ સતત અને સંપૂર્ણ બનતા જતા સંપર્કમાં રહીને અમે તારી સાથે હંમેશાં વધુ ને વધુ નિકટ ભાવે અદ્વૈત પામીએ અને તારા સુપાત્ર સેવક બની રહીએ. અમારામાંથી અહંકાર માત્ર દૂર કરી દો, બધું જ મિથ્યા અભિમાન, બધો જ લોભ અને અજ્ઞાન નિર્મળ કરી દો, કે જેથી અમે તારા દિવ્ય પ્રેમ વડે પૂરેપૂરા પ્રજ્વલી ઊઠીએ, જગતમાં તારી મશાલો બની રહીએ.
વર્ષ : ૧૯૧૪
૨૪ જાન્યુઆરી ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
અમારા સ્વરૂપની છે અનન્ય વાસ્તવિકતા, હે પરમ પ્રેમ-સ્વામી, હે જીવન ઉદ્ધારક, મને હવે પ્રત્યેક પળે અને પ્રત્યેક વસ્તુમાં કેવળ તારા સિવાય બીજા કશાનો અનુભવ ન થાઓ. હું જ્યારે કેવળ તારા જીવન સાથે જ અનન્ય ભાવે રહેતી નથી, ત્યારે હું વેદનાથી ભરાઈ જાઉં છું, ધીરે ધીરે, વિલયમાં ગરકી જાઉં છું કેમ કે મારે અસ્તિત્વમાં રહેવા માટેનું એક માત્ર કારણ તે કેવળ તું જ છે, તું જ મારું એક માત્ર લક્ષ્ય છે, તે જ મારો એક માત્ર આધાર છે. હું એક ભીરુ પંખીના જેવી છે, કે જેને હજી પોતાની પાંખોનો વિશ્વાસ બેઠો નથી અને પોતે ઊડવા જતાં અચકાય છે; મને ઊંચે ઊડવા દે, એટલે ઊંચે કે આખરે હું તારી સાથે એક સુનિશ્ચિત એકરૂપતામાં પહોંચી જાઉં.
૧ ફેબ્રુઆરી ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હું તારા પ્રત્યે વળી રહી છું, તું સર્વત્ર આવી રહેલો છે તથા સર્વની અંદર અને સર્વથી બહાર છે, તે સર્વનું સારતત્ત્વ છે અને સર્વથી દૂરાતિદૂર છે, સર્વ શક્તિઓને ઘનીભૂત કરનારું કેન્દ્ર તું છે, સભાન વ્યક્તિતાઓનું સર્જન કરનાર તું છે; તારા પ્રત્યે હું વળું છું અને જગતોના મુક્તિદાતા એવા તને પ્રણામ કરું છું, અને તારા દિવ્ય પ્રેમ સાથે એકરૂપ થઈને, હું પૃથ્વી અને તે પર વસનારાંઓનું ચિંતન કરું છું, પદાર્થતત્વનો આ સમૂહ સતત નાશ પામતાં રહેતાં અને નવું સર્જન પામતાં રહેતાં રૂપોમાં મુકાતો રહે છે, આ સંઘટિત તત્ત્વોનો ઊભરાતો સમૂહ જે ક્ષણે રચાય છે તે જ ક્ષણે વેરાઈ જાય છે, આ પ્રાણીઓનો ઊભરાતો સમૂહ પોતાને સચેતન અને સ્થાયી સ્વરૂપની વ્યક્તિતાઓ કલ્પે છે અને તેઓ માત્ર એક શ્વાસોચ્છવાસ જેટલાં જ ક્ષણજીવી છે, તેમની વિવિધતામાં તેઓ એકસરખાં જ હોય છે અથવા તો લગભગ એકસરખાં હોય છે, તેઓ એની એ જ વૃત્તિઓ, એની એ જ સુધાઓ, એની એ જ અજ્ઞાનજન્ય ભૂલો અનિશ્ચિત કાળ સુધી ફરી ફરીને પુનરાવર્તિત કરતાં રહે છે.
પરંતુ વખતે વખતે તારો ભવ્ય પ્રકાશ કોઈ એક સ્વરૂપમાં પ્રકાશી ઊઠે છે અને તેની દ્વારા જગત ઉપર ઝળહળી રહે છે, અને પછી એક નાનું સરખું જ્ઞાન, નાની સરખી સમજ, નાની સરખી આસક્તિરહિત શ્રદ્ધા, વીરતા અને કરુણા મનુષ્યોનાં હૃદયોમાં ઊંડે ઊતરે છે, તેમનાં મગજોનું રૂપાંતર કરે છે, અને તેમનું અંધ અજ્ઞાન તેમને અસ્તિત્વના જે વેદનામય અને અદમ્ય એવા ચક્રને આધીન રાખે છે તે ચક્રનાં થોડાંક તત્ત્વોને મુક્ત કરી આપે છે.
પરંતુ આ શહેરોના અને તેમની કહેવાની સંસ્કારિતાઓના બનેલા જીવનમાં ડૂબેલાં માનવો જે ભીષણ વિકૃતિઓમાં પડેલાં છે તેમાંથી તેમને બહાર લઈ આવવા માટે, અત્યાર સુધીમાં આવી ગયેલા પ્રકાશ કરતાં કેટલો બધો મોટો પ્રકાશ જોઈશે, કેટલી તો અદ્દભુત જ્યોતિ અને તેની જરૂર પડશે! આ બધી ઇચ્છાશક્તિઓ પોતાની અહંકારમય, હલકટ અને મૂર્ખ તૃપ્તિઓને માટે જે ઘોર સંઘર્ષમાં પડેલી છે તેમાંથી તેમને બીજી દિશામાં વાળી લેવા માટે, પોતાના છેતરામણા ઝગઝગાટની અંદર મૃત્યુને છુપાવી રાખતા વમળમાંથી તેમને બહાર ખેંચી લાવવા માટે, અને તારા સંવાદમય વિજય પ્રત્યે તેમને વાળવા માટે કેવી તો મહા પ્રચંડ અને સાથે સાથે દિવ્ય રીતે મધુર એવી શક્તિની જરૂર પડશે!
પ્રભુ, શાશ્વત ગુરુ, અમને પ્રકાશ આપ, અમારાં કદમને દોરી જા, અમને તારા નિયમના સાક્ષાત્કાર પ્રત્યેનો માર્ગ, તારા કાર્યની સિદ્ધિ પ્રત્યેનો માર્ગ બતાવ.
નીરવતામાં બેઠી બેઠી હું તને મૂંગી મૂંગી આરાધી રહી છું અને એક પુનિત એકાગ્રતામાં હું તને સાંભળી રહી છું.
૧૪ ફેબ્રુઆરી ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
શાંતિ, સારીયે પૃથ્વી ઉપર શાંતિ!
સર્વ કોઈ પોતાની પ્રાકૃત ચેતનામાંથી બહાર નીકળી જાઓ, સ્થૂલ વસ્તુઓ પ્રત્યેની આસક્તિમાંથી મુક્ત બની જાઓ, તારા દિવ્ય સાંનિધ્યના જ્ઞાન પ્રત્યે જાગૃત બનો, તારી પરમ ચેતના સાથે પોતાની ચેતનાને જોડી લો, અને તેમાંથી જન્મતી શાંતિની સભરતાનો આસ્વાદ કરો.
પ્રભુ, તું જ અમારા સ્વરૂપનો ચક્રવર્તી સ્વામી છે, તારો નિયમ એ જ અમારો નિયમ છે; અને અમે અમારી ચેતનાને તારી શાશ્વત ચેતના સાથે એકરૂપ કરી દેવા માટે અમારી સારીયે શક્તિ વડે અભીપ્સા કરીએ છીએ, અને એમાંથી પછી સર્વ વસ્તુઓમાં અને પ્રત્યેક ક્ષણે તારું કાર્ય સિદ્ધ બનો.
પ્રભુ, અમને તત્કાલીન વસ્તુઓની ચિંતામાંથી મુક્ત કરી દે, અમને વસ્તુઓના સ્થૂલ દર્શનમાંથી મુક્ત કરી દે, અમારી પ્રાર્થના છે કે અમે કેવળ તારી દૃષ્ટિ વડે જ જોતાં થઈએ અને તારી સંકલ્પશક્તિ સિવાય બીજી કોઈ રીતે કાર્ય ન કરીએ; અમને તારા દિવ્ય પ્રેમની જીવંત મશાલોરૂપે બનાવી લે.
આદરભાવથી, ભક્તિભાવથી, મારા સર્વ સ્વરૂપના આનંદમય સમર્પણપૂર્વક, હું તારા નિયમની સિદ્ધિ માટે, પ્રભુ, મારી જાતનું અર્પણ કરું છું.
શાંતિ, સારીયે પૃથ્વી ઉપર શાંતિ!
૧૫ ફેબ્રુઆરી ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
પ્રભુ, અનન્ય વાસ્તવિકતા, પ્રકાશોના પ્રકાશ અને જીવનના જીવન, જગતના પરમ ઉદ્ધારક પ્રેમ, મારી પ્રાર્થના છે કે તારા અખંડ સાંનિધ્યની સભાનતા પ્રત્યે હું વધુ ને વધુ સંપૂર્ણ રીતે જાગ્રત બનું. મારાં સર્વ કર્મો તારા નિયમ પ્રમાણે થતાં રહો; મારી સંકલ્પશક્તિ અને તારી સંકલ્પશક્તિ વચ્ચે લેશ પણ તફાવત ન રહો. મારા મનની ભ્રામક ચેતનામાંથી, એની તરંગોની દુનિયામાંથી મને બહાર કાઢ; મારી ચેતનાને પરમ ચેતના સાથે એકરૂપ કરી લેવા દે, કારણ તું જ એ પરમ ચેતના છે.
તું મને ધ્યેય સિદ્ધ કરવા માટેની સંકલ્પશક્તિમાં સ્થિરતા આપ, એવી દઢતા, શક્તિ અને હિંમત આપ જે સર્વ જડતા અને શિથિલતાને ખંખેરી દૂર કરે.
તું મને સંપૂર્ણ અનાસક્તિની શાંતિ આપ, એ શાંતિ જે તારા સાંનિધ્યનો અનુભવ કરાવે છે અને તારા હસ્તક્ષેપને સફળ બનાવે છે, એ શાંતિ જે બધી અશુભ ઇચ્છા ઉપર અને બધા જ અંધકાર ઉપર હંમેશાં વિજયી બનતી હોય છે.
પ્રભુ, તને હું વિનંતી કરું છું, મારા સ્વરૂપનું સર્વ કાંઈ તારી સાથે એકરૂપ બની જાઓ. તારા પરમ સાક્ષાત્કાર માટે સંપૂર્ણ સજાગ બનેલા પ્રેમની એક મશાલ માત્ર હું બની રહું.
૭ માર્ચ ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
કાગા મારુ’ સ્ટીમર ઉપર
આજના પ્રભાતે મારી પ્રાર્થના તારા તરફ વહે છે. એની એ જ અભીપ્સા સદાયે તારા તરફ વહે છે : હું તારા પ્રેમને મારામાં ધારણ કરું, તારા પ્રેમને જગતમાં વિસ્તારું, એવી તો સમર્થ રીતે, એવી તો અસરકારક રીતે કે અમારા સંપર્ક દ્વારા હરેકને એક બલ મળી રહે, તેમનામાં એક નવો જન્મ જાગે, તેમનામાં એક પ્રકાશ પ્રગટે. હૃદયમાં એ અભીપ્સા થાય છે કે અમને એક એવી શક્તિ મળે કે જેથી જીવનના ઘા અમે રૂઝવી શકીએ, દુ:ખને નિવારી શકીએ, શાંતિ અને સ્વસ્થ શ્રદ્ધાને ઉત્પન્ન કરી શકીએ, વ્યથાને નિર્મળ કરી શકીએ અને તેને સ્થાને એક સાચા સુખની, તારી અંદર સ્થપાયેલા અને કદીયે ન ઓસરતા એવા સુખની સ્થાપના કરી શકીએ ... પ્રભુ, અમારા હે પરમ સુહૃદ, હે સર્વસમર્થ સ્વામી, અમારા સારાયે સ્વરૂપમાં આપ આરપાર પ્રવેશી રહો, તેને એક એવું તો નૂતન રૂપ આપી દો કે એમાં પછી કેવલ તમારો જ નિવાસ બની રહે, એ દ્વારા કેવલ તમારો જ શ્વાસોચ્છવાસ ગતિ કરે!
૮ માર્ચ ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
આજના આ શાંત સૂર્યોદયે તો મારામાંની એકેએક વસ્તુને મૌનમય, શાંતિમય બનાવી દીધી છે. એ સૂર્યોદયની સમક્ષ હું ખડી હતી અને મને આપનું સ્મરણ થયું, અને તે જ ક્ષણે કેવળ આપ જ મારી અંદર રમી રહ્યા. અને એ અવસ્થામાં જાણે કે આ વહાણનાં સર્વ પ્રવાસીને મેં મારાં સંતાન કરી લીધાં, અને મને થયું કે એ હરેકની અંદર મારા આ પ્રેમાલિંગનથી તારી ચેતનાનો કોઈક અંશ જરૂર જાગશે. તારી દિવ્ય શક્તિનો, તારા અવિજય પ્રકાશનો આવો પ્રખર અનુભવ મને બહુ ઓછી વાર થયો છે. અને એટલે ફરીથી મારી શ્રદ્ધા એક પરિપૂર્ણ રૂપે બની રહી, મારું આનંદમય સમર્પણ કેવળ નિર્ભેળ બની રહ્યું.
જગતના હે દુઃખમાત્રના નિવારક, અજ્ઞાન માત્રના સંહારક, હે પરમ ધન્વંતરિ, અહીં આ નૌકા ઉપર, નૌકાના હૃદયમાં વિરાજતાં આ માનવ હૃદયોની અંદર તારું સાંનિધ્ય સતત વસી રહો, અને તારો વિજય એક વાર ફરીને પણ પ્રગટ બનો.
૯ માર્ચ ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
જે લોકો તારે ખાતર અને તારી અંદર જીવન ધારણ કરી રહેલા છે તેઓ ભલે પોતાની સ્થૂલ પરિસ્થિતિ બદલે, પોતાની ટેવો, હવાપાણી, સામાજિક સંયોગો બદલે, પરંતુ હરેક સ્થળે તેમને એનું એ જ વાતાવરણ મળી રહે છે; એ વાતાવરણ તેઓ તેમની પોતાની અંદર, તારા ઉપર સતત જડાયેલા રહેતા તેમના ચિત્તમાં લઈને ફરતા હોય છે. દરેક સ્થળે તેમને પોતાના ઘર જેવું લાગતું હોય છે, કેમ કે હરેક સ્થળે તેઓ તારા ગૃહમાં હોય છે. વસ્તુઓની અને દેશોની નવીનતા જોઈને, તેમનું અણધાર્યું રૂપ જોઈને, સૌન્દર્ય જોઈને તેઓ આશ્ચર્ય પામતા નથી. એ લોકોને સર્વની અંદર તારું સાંનિધ્ય પ્રગટ રહેલું દેખાય છે અને તારો અવિચલ વૈભવ કે જે કદી તેમને છોડીને જતો નથી, તે રેતીના નાનામાં નાના કણમાં તેમને પ્રત્યક્ષ થઈ રહે છે. આખીયે પૃથ્વી તારા ગુણગાન કરી રહી છે; આ જગતમાં અંધકાર છે, દુઃખ છે, અજ્ઞાન છે છતાં, એ બધામાં થઈને, અમને તારા પ્રેમની પરમતાનું જ દર્શન થાય છે અને તેની સાથે અમે સર્વત્ર અખંડ રીતે વ્યવહાર કરી શકીએ છીએ.
હે પ્રભુ, મારા મધુર ગુરુ, આ જહાજ ઉપર મને આ બધાની સતત અનુભૂતિ થઈ રહી છે. આ જહાજ તો મને શાંતિનું કોઈ અભુત ધામ લાગે છે, અવચેતનની નિષ્ક્રિયતાનાં મોજાં ઉપર સફર કરી રહેલું એક મંદિર લાગે છે. એ નિષ્ક્રિયતાને અમારે જીતવાની છે અને તારા દિવ્ય સાંનિધ્યની સચેતનતા પ્રત્યે અમારે જાગૃત થવાનું છે.
હે અવર્ણનીય શાશ્વતી, જે દિવસે મને તારું જ્ઞાન થયું એ કેવો તો ધન્ય દિવસ હતો.
જે દિવસે પૃથ્વી આખરે જાગૃત બનીને તને જાણતી થશે અને કેવળ તારે અર્થે જ જીવન ધારણ કરશે એ દિવસ સૌ દિવસોમાં ધન્ય બની રહેશે.
૨૫ માર્ચ ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હંમેશની પેઠે શાંત અને અદશ્ય, છતાં સર્વસમર્થ એવા તારા કાર્યો પોતાનો પરચો કરાવી આપ્યો છે, અને આ જે આત્માઓ તારા પ્રત્યે વિમુખ દેખાતા હતા તેમનામાં તારા દિવ્ય પ્રકાશનું ભાન જાગૃત થયું છે. એ વાત તો હું સારી રીતે જાણતી હતી કે તારા સાંનિધ્યને ઉદ્દબોધિત કરવાનો કોઈ પ્રયત્ન વ્યર્થ જતો નથી, અને અમારા હૃદયમાં જો સાચા ભાવપૂર્વક અમે તારી સાથે સંપર્ક સાધી શકીએ, પછી તે ભલે ગમે તે વસ્તુ દ્વારા, શરીર દ્વારા, કે માનવ-સમૂહ દ્વારા બની આવો, તો એ હરેક વસ્તુની અચેતનતા, તેનામાં રહેલા અજ્ઞાન છતાં પૂરેપૂરી બદલાઈ જાય છે. પરંતુ જ્યારે એક યા તો વધુ તત્ત્વોની અંદર એક સજ્ઞાન રીતનું રૂપાંતર બની આવે છે, રાખ હેઠળ કજળી રહેલી આગ જ્યારે એકાએક ભભૂકી ઊઠે છે, અને આખાયે સ્વરૂપને પ્રકાશિત કરી મૂકે છે, ત્યારે આનંદપૂર્વક તારી સર્વસમર્થ શક્તિના કાર્યને અમે અભિવાદન કરીએ છીએ, તારી અવિજય મહાશક્તિના અસ્તિત્વનો એક વાર ફરીથી ઉદ્દઘોષ કરીએ છીએ અને આશા રાખી શકીએ છીએ કે માનવજાતિની અંદર રહેલી અનેક શક્યતાઓમાં એક નવી શક્યતા, સાચા સુખની નવી શક્યતા ઉમેરાઈ રહી છે.
હે પ્રભુ, મારી અંદરથી તારા પ્રતિ આભારની એક તીવ્ર લાગણી વહી રહી છે. અને આ દુ:ખી માનવજાતિની કૃતજ્ઞતાનો ભાવ તારે ચરણે ધરી રહી છે. એ માનવતાને તું પ્રકાશ આપી રહ્યો છે, એક નવું રૂપાંતર આપી રહ્યો છે, તેને ગૌરવ આપી રહ્યો છે, અને જ્ઞાનની શાંતિ આપી રહ્યો છે.
૧૦ એપ્રિલ ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
એકાએક પરદો પડી ગયો, ક્ષિતિજ પ્રગટ થઈ અને એ સ્પષ્ટ પ્રકાશમાં મારી આખી ચેતના, કૃતજ્ઞતાથી છલકાઈને તારાં ચરણોમાં ઢળી પડી. આવો ગહન અને સભર આનંદ ઊભરાઈ રહ્યો હતો છતાં ક્યાંય ક્ષોભ ન હતો. સર્વત્ર શાશ્વતીની શાંતિ વ્યાપેલી હતી ... હવે જાણે મારામાં કોઈ મર્યાદાઓ રહી નથી. દેહભાવ ચાલ્યો ગયો છે. ઇન્દ્રિયોના સંવેદનો, લાગણીઓ, વિચારો એમાનું કશું રહ્યું નથી. એક નિર્મળ, વિશુદ્ધ, પ્રશાંત વિરાટ વિશાળતા જ માત્ર વ્યાપી રહી છે. પ્રેમ અને પ્રકાશથી એ તરબોળ બનેલી છે. એક શબ્દાતીત આનંદ એમાં છલકાઈ રહ્યો છે. હવે તો જાણે કે આ જ મારું સ્વરૂપ છે. અને આ 'હું' તે મારા પૂર્વ કાળના સંકુચિત, સ્વમગ્ન 'હું' થી એટલું તો જુદું જ છે કે એ તે 'હું' છું કે 'તું' તે કહેવું મુશ્કેલ છે, મારા પ્રભુ! અમારા ભાગ્યવિધાતા!
જાણે કે સર્વ પદાર્થો શક્તિ, ધૈર્ય, બલ, તપસ, અનંત માધુર્ય, અતુલિત કરુણાસ્વરૂપ બની ગયા છે ...
છેલ્લા કેટલાય દિવસો કરતાં વધુ જોરદાર રીતે મારો ભૂતકાળ મરી ગયો છે અને એક નૂતન જીવનનાં કિરણો હેઠળ જાણે કે દટાઈ ગયો છે. જ્યારે આ નોંધપોથીનાં થોડાંક પાછલાં પાનાં મેં હમણાં વાંચ્યાં ત્યારે મને નિશ્ચિતપણે આ મૃત્યુની ખાતરી થઈ ગઈ, અને એક બોજામાંથી હળવી બની હું એક બાળક જેવી એકદમ સરળ, એકદમ નગ્ન બનીને તારી સમક્ષ આવું છું, મારા દિવ્ય ગુરો ... અને છતાં જે એક જ વસ્તુ મારી દૃષ્ટિમાં આવતી રહે છે એ છે પેલી શાંત અને નિર્મળ વિશાળતા ...
પ્રભુ, મારી પ્રાર્થનાનો જવાબ તેં આપ્યો છે. મેં તારી પાસેથી માગ્યું તે તેં મને આપ્યું છે. 'હું' અદૃશ્ય થઈ ગયું છે. હવે તો તારી સેવામાં સમર્પિત થયેલું એક નમ્ર કરણ જ માત્ર હસ્તીમાં છે. તારી અનંત અને શાશ્વત જ્યોતિને એકાગ્ર બનવા માટેનું, પ્રગટ થવા માટેનું એ એક કેન્દ્ર જ બની રહ્યું છે. મારું જીવન તેં અપનાવી લીધું છે, તેને તારું બનાવી દીધું છે. મારી ઇચ્છાશક્તિને તેં લઈ લીધી છે અને તારી ઇચ્છાશક્તિ સાથે તેને જોડી દીધી છે. તેં મારો પ્રેમ લીધો છે અને તારા પ્રેમ સાથે તેને એકરૂપ કરી દીધો છે. તેં મારા ચિત્તને લઈ લીધું છે અને તેને સ્થાને તારી પરમ ચેતનાને સ્થાપી આપી છે.
અદ્દભુત રસથી ઊભરાતું મારું શરીર તારી ચરણધૂલિમાં પોતાનું મસ્તક મૂક અને નમ્રભાવે ઢાળી રહ્યું છે.
તારા સિવાય હવે બીજું કશું હસ્તીમાં નથી રહ્યું. તારી અક્ષય શાંતિની જ્યોતિ ઝળહળી રહી છે.
૧૭ એપ્રિલ ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
ઓ પ્રભુ, ઓ સર્વશક્તિમાન ગુરુદેવ, જગતની ઓ એકમાત્ર વાસ્તવિકતા, મારી પ્રાર્થના છે કે મારા હૃદયમાં અને મારા ચિત્તમાં કોઈ પણ પ્રકારનું સ્ખલન, કોઈ પણ અંધકાર, કોઈ પણ પ્રાણઘાતક અજ્ઞાન સરીને દાખલ ન થઈ જાય એમ કરો.
વ્યવહારની અંદર વ્યક્તિનું તત્ત્વ એ તો તારો સંકલ્પ અને તારી શક્તિઓને કામ કરવા માટેનું એક અનિવાર્ય અને અપરિહાર્ય એવું માધ્યમ છે.
આ વ્યક્તિત્વ જેટલું વિશેષ બળવાન હોય, વધુ સંકુલ, વધુ શક્તિશાળી, વિશેષ વ્યક્તિતાવાળું હોય અને સભાન હોય તેટલું તે કરણ વધારે સમર્થ રીતે અને ઉપયોગી રીતે તારી સેવા કરી શકે છે. પરંતુ આ વ્યક્તિત્વનું સ્વરૂપ જ એવું છે કે તે પોતે એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી વસ્તુ છે એવી ઘાતક ભ્રાંતિમાં સહેલાઈથી ખેંચાઈ જાય છે અને ધીરે ધીરે તે તારી અને જેના ઉપર તું કામ કરવા માગે છે એ બેની વચ્ચે એક પડદારૂપ બની જાય છે. વિશ્વના આવિર્ભાવના આરંભ સમયે નહિ, પણ તારા કાર્યના જવાબ રૂપે જે શક્તિઓને બહાર મોકલાઈ હોય છે તે બધી તારા પ્રત્યે પાછી વળવાની જે ગતિ આદરે છે તેમાં એવું બને છે કે આ વ્યક્તિતા પછી તારો વફાદાર સેવક બની રહેતી નથી, જે જે વસ્તુ તને પાછી સોંપવાની છે તે રજેરજ તારી પાસે પાછી લઈ આવનાર માધ્યમ તરીકેનું કાર્ય તે કરતી નથી. પણ તેનામાં એવો વિચાર જાગે છે કે, 'આ વસ્તુ તો, પેલી વસ્તુ તો મેં કરેલી છે, એનો જશ તો મને જાય છે' ...... અને પછી આ બધી શક્તિઓમાંથી થોડીક પોતાને માટે રાખી લેવાનું એક વલણ તેનામાં જાગે છે. ઓ દુષ્ટ ભ્રાંતિ, ઓ અંધારિયા અસત્ય, તમે બધાં હવે ખુલ્લા પડી ગયાં છો, તમારો બુરખો ચિરાઈ ગયો છે, કર્મના ફળને કોરી ખાતો, કર્મનાં સર્વ પરિણામોને મિથ્યા બનાવી દેતો દુષ્ટ વ્યાધિ તે આ છે.
ઓ પ્રભુ, ઓ મારા મધુર ગુરુ, હે એકમાત્ર વાસ્તવિકતા, આ 'હું' તરીકેની ભાવના મિટાવી દો. મને હવે સમજાયું છે કે જ્યાં સુધી આ પ્રગટ બનેલું વિશ્વ અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી આ 'હું' ની જરૂર તો તારા આવિર્ભાવને માટે રહેવાની છે. આ 'હું'ને ઓગાળી નાખવો, કે તેને અલ્પ કરી નાખવો કે દુર્બળ બનાવી દેવો એ તો તારા હાથમાંથી, પૂરેપૂરું કે થોડુંઘણું, આવિર્ભાવના સાધનને ઝૂંટવી લેવા જેવું બને. પણ એક વસ્તુ ખરેખર ધરમૂળથી અને પાકે પાયે કરી લેવાની છે અને તે એ કે આ અલગ 'હું' તરીકેની ભ્રાંતિમય લાગણી છે, એ રૂપી જે ભ્રાંતિમય સવેદન છે તેને સર્વથા દબાવી દેવાનું છે. કોઈ પણ ક્ષણે, કોઈ પણ સંયોગોમાં અમારે એ ભૂલવું ન જોઈએ કે અમારા આ 'હું' ને તારાથી સ્વતંત્ર એવું કોઈ અસ્તિત્વ છે જ નહિ.
ઓ મારા મધુર ગુરુ, મારા દિવ્ય પ્રભુ, આ ભ્રાંતિને મારા હૃદયમાંથી ઉખાડી નાખ. એ થતાં હું તારી વિશુદ્ધ અને વફાદાર સેવક બની રહીશ, અને જે જે વસ્તુઓ તારા હકની છે તે બધી તને વફાદારીપૂર્વક અને પૂર્ણપણે હું તારા ચરણે પાછી લાવી દઈશ. મૌનની નીરવતામાં મને આ પરમ અજ્ઞાન ઉપર ચિંતન કરવા દે, એને સમજવા દે અને તેનું સદાયને માટે વિસર્જન કરી દેવા દે. આ પડછાયાને મારા હૃદયમાંથી હાંકી કાઢ અને એને સ્થાને તારો પ્રકાશ, આ હૃદયનો પરમ શાસક બનીને, પોતાનું શાસન અહીં સ્થાપી લો.
૧૨ મે ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
મને વધુ ને વધુ એમ થઈ રહ્યું છે કે અમે પ્રવૃત્તિના એક એવા તો ગાળામાં આવી ગયાં છીએ કે જેમાં અમારા ભૂતકાળના પ્રયત્નોનું ફળ પ્રગટ થવા લાગ્યું છે. આ એક એવો ગાળો છે કે જેમાં અમે તારા નિયમ પ્રમાણે કામ કરતાં હોઈએ છીએ અને તે એ નિયમ જેટલા પ્રમાણમાં અમારા સ્વરૂપનું સર્વભાવે નિયમન કરતો હોય છે તેટલા પ્રમાણમાં બનતું હોય છે, અને એ વખતે એ નિયમ વિષે સભાન બનવા માટેની અમને નવરાશ પણ હોતી નથી.
આજે સવારે, મને એક ઝડપી અનુભૂતિ થઈ, હું એક ઊંડાણમાંથી બીજા ઊંડાણમાં પસાર થવા લાગી, અને એમ કરતાં કરતાં હંમેશની માફક હું મારી ચેતનાને તારી ચેતના સાથે એકરૂપ બનાવી શકી, હું કેવળ તારી અંદર જ આવી રહેલી હતી; એટલે કે કેવળ તું જ માત્ર આવી રહેલો હતો. પરંતુ તારી સંકલ્પશક્તિએ મારી ચેતનાને તરત જ બહારની બાજુએ, જે કાર્ય સિદ્ધ કરવાનું હતું તે તરફ ખેંચી આણી, અને તેં મને કહ્યું : “મારે એક કરણની જરૂર છે તે તું બની રહે.” અને આ તે શું ત્યાગની અંતિમ સ્થિતિ નથી, તારી સાથેની એકરૂપતાનો ત્યાગ, તારી અને મારી વચ્ચે હવે કશો પણ ભેદ ન કરવામાં રહેલો મધુર અને શુદ્ધ આનંદ, પ્રત્યેક પળે એ જ્ઞાન થવું, કેવળ બુદ્ધિ દ્વારા નહિ, પરંતુ એક પૂર્ણ અનુભૂતિ દ્વારા, કે તું જ એકમાત્ર અનન્ય એવી વાસ્તવિકતા છે અને અન્ય સર્વ કાંઈ તે માત્ર એક આભાસ છે અને ભ્રમ છે એ આનંદનો ત્યાગ. બાહ્ય સ્વરૂપે એક વિનમ્ર કરણ બની રહેવાનું છે, એણે તેને ચલાવી રહેલી સંકલ્પશક્તિ વિષે સભાન બનવાની કશી જરૂર પણ નથી, આમાં કશી જ શંકા નથી; પરંતુ હું કેવળ તારી સાથે એકરૂપ થઈ રહું, તારી સંપૂર્ણ અને અનન્ય ચેતના રૂપે જ બની રહ્યું એમ થવા દેવાને બદલે મારે આ કરણ સાથે લગભગ સંપૂર્ણ રીતે એકરૂપ બની રહેવું જોઈએ એમ શા માટે થવું જોઈએ?
હું આ જાણવા તો માગું છું, પરંતુ તે માટે હું સંચિત નથી. હું જાણું છું કે સર્વ કાંઈ તારી સંકલ્પશક્તિ પ્રમાણે થઈ રહ્યું છે, અને એક વિશુદ્ધ આરાધનાપૂર્વક, હું મારી જાતને તારી સંકલ્પશક્તિના હાથમાં આનંદપૂર્વક સોંપી દઉં છું. તું મારું જે કાંઈ કરવા ઇચ્છશે, પ્રભુ, તે હું થઈ રહીશ, સભાન અથવા તો અભાન, આ શરીર છે તેવું, એક સાદું કરણ, અથવા તો પરમ જ્ઞાન, તું પોતે છે તેવું જ.
ઓ, એમ કહી શકીએ કે “બધું જ બરાબર છે, અને એમ અનુભવી શકીએ કે તારા કાર્યને ઝીલવાને માટે તૈયાર થયેલાં હોય તેવાં સર્વ તત્ત્વોમાં થઈને જગતમાં તું કાર્ય કરી રહ્યો છે એમાં કેવો તો મધુર અને શાંત આનંદ આવી રહેલો છે.
વસ્તુ માત્રનો તું જ પરમ સ્વામી છે, તું જ તે અપ્રાપ્ય છે, તે અગમ્ય છે, તે શાશ્વત અને ભવ્ય વાસ્તવિકતા છે.
હે અદ્દભુત અદ્વૈતતા, તારામાં હું અદ્રશ્ય થઈ જાઉં છું.
૨૧ મે ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
સમગ્ર આવિર્ભાવની પર, શાશ્વતીની સ્થિર નીરવતાની અંદર, હે પ્રભુ, એક સ્થિર આનંદરૂપે હું તારામાં છું. તારી શક્તિ અને તારા અદ્દભુત પ્રકાશમાંથી જે સ્થૂલ અણુઓની વાસ્તવિકતા અને કેન્દ્ર બને છે, એનામાં હું તને જોઉં છું; આમ તારા સાંનિધ્યથી દૂર ગયા વિના હું તારી પરમ ચેતનામાં અદશ્ય બની શકું છું અથવા મારા સ્વરૂપના પ્રકાશમય કણોમાં તને જોઈ શકું છું. અને આ અત્યારના સમય પૂરતી તો એ જ તારા જીવનની અને તારા પ્રકાશની વિપુલતા છે.
હું તને જોઉં છું, હું તારું જ સ્વરૂપ છું, અને આ બે સામસામા છેડાઓની અવસ્થાઓની વચમાં, મારો તીવ્ર પ્રેમ તારે માટે અભીપ્સા કરે છે.
૨૨ મે ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
આપણે જ્યારે સ્વરૂપની સર્વ અવસ્થાઓમાં અને જીવનનાં સર્વ જગતોમાં સત્ય અને અસત્યનો ભેદ સમજી લીધો હોય, આપણે જ્યારે એકમાત્ર સમગ્ર અને સંપૂર્ણ વાસ્તવિકતાની નિશ્ચિતતા મેળવી લીધી હોય ત્યારે આપણે આ પરમ ચેતનાની ઊંચાઈએથી આપણી દૃષ્ટિને વ્યક્તિના એકમ, જે પૃથ્વી પર તારા આવિર્ભાવના તાત્કાલિક કરણ તરીકે રહ્યું છે, તરફ ફેરવવી જોઈએ અને એમાં તારા સિવાય કશું જ ન જોવું જોઈએ, તું જે અમારું એકમાત્ર સાચું અસ્તિત્વ છે. આમ આ એકમના હરેક અણુને તારી પરમ અસર ઝીલવા માટે જાગૃત કરવામાં આવશે; અજ્ઞાન અને અંધકાર માત્ર સ્વરૂપની કેન્દ્રીય ચેતનામાંથી અદૃશ્ય થઈ જશે એમ નહિ પણ એની સૌથી વધુ બાહ્યતમ અભિવ્યક્તિમાંથી પણ અદૃશ્ય થઈ જશે. રૂપાંતરની આ સાધનાને સિદ્ધ કરીને, સંપૂર્ણ કરીને જ તારા સાંનિધ્યની, તારા પ્રકાશની અને તારા પ્રેમની વિપુલતાનો આવિર્ભાવ કરી શકાશે.
પ્રભુ, આ સત્ય તું મને વધુ ને વધુ સ્પષ્ટ રીતે સમજાવી રહ્યો છે; એ માર્ગ ઉપર તું મને પગલે પગલે દોરતો રહે. મારું સારું યે સ્વરૂપ, એના નાનામાં નાના અણુ સુધી તારા સાંનિધ્યના સંપૂર્ણ જ્ઞાન માટે અને એની સાથે સંપૂર્ણ એકરૂપતા માટે અભીપ્સા કરી રહ્યું છે. હરેક વિઘ્ન અદૃશ્ય થઈ જાઓ, હરેક ભાગમાં રહેલા અજ્ઞાનના અંધકારને સ્થાને તારું દિવ્ય જ્ઞાન આવી રહો. જે રીતે તેં કેન્દ્રીય ચેતનાને, સ્વરૂપની ઇચ્છાશક્તિને પ્રકાશિત કરી દીધી છે, એવી જ રીતે આ બાહ્યતમ તત્વને પણ તું પ્રકાશિત કરી આપ. અને આખાય વ્યક્તિત્વને, એના આદિ મૂળ અને સત્વથી તે એના છેલ્લા અને સ્થૂલતમ સ્વરૂપ સુધી, તારી એકમાત્ર વાસ્તવિકતાના એક સંપૂર્ણ સાક્ષાત્કારમાં અને સમગ્ર આવિર્ભાવમાં એકરૂપ બની જવા દે.
તારા જીવન, તારા પ્રકાશ, તારા પ્રેમ સિવાય વિશ્વમાં બીજું કશું જ નથી.
તારા સત્યના જ્ઞાન દ્વારા બધું તેજસ્વી બનો અને રૂપાંતર પામો.
તારો દિવ્ય પ્રેમ મારા સ્વરૂપને સભર બનાવી દે છે; તારો પરમ પ્રકાશ હરેક કોષમાં ઝળહળી રહ્યો છે; બધું જ આનંદ આનંદમય છે કારણ એ તને જાણે છે અને તારામય બની ગયું છે.
૨૬ મે ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
સપાટી ઉપર તૂફાન છે, સાગર ખળભળી ઊઠયો છે, મોજાંઓ ભટકાય છે અને એકબીજા ઉપર ઊછળે છે અને એક પ્રચંડ ગર્જના કરતાં ભાંગી પડે છે. પરંતુ આખોય વખત, ધૂંધવાતા પાણીની હેઠળ, વિશાળ સ્મિતપૂર્ણ વિસ્તારો, શાંતિપૂર્ણ અને ગતિહીન પડેલા છે. એ બધા સપાટી ઉપરના ક્ષોભને એક અનિવાર્ય ક્રિયા તરીકે જુએ છે; કેમકે દિવ્ય આનંદને પૂરેપૂરો આવિર્ભાવ આપવા માટે જડતત્ત્વ જો સમર્થ બનવાનું હોય તો તેને જોરપૂર્વક વલોવી નાખવાનું રહે છે. ક્ષોભમય દેખાવની પાછળ, સંઘર્ષની મારામારી અને વેદનાની પાછળ ચેતના પોતાના સ્થાનમાં સુસ્થિત રહેલી છે. તે બાહ્ય સ્વરૂપની સર્વ ક્રિયાઓને નીરખ્યા કરતી, જવાની દિશા અને ગોઠવાતી રહેલી સ્થિતિને સુધારી લેવાને માટે જ માત્ર વચ્ચે પડે છે, કે જેથી લીલા અતિશય નાટક જેવી ન થઈ જાય. આ વચ્ચે પડવાની ક્રિયા અત્યારે અતિદઢ છે અને થોડીક કઠોર છે, ક્ષણભર કટાક્ષ ભરેલી છે, હુકમ કરવા માટેના પુકાર જેવી છે અથવા મજાક જેવી છે, તે હંમેશાં એક બળવાન, મૃદુલ, શાંતિમય અને સ્મિત કરતા ઉદારભાવથી ભરેલી છે.
ત્યાંની નીરવતાની અંદર મેં તારા અનંત અને શાશ્વત આશીર્વાદ જોયા.
તે પછી છાયા અને અથડામણમાં જે વસ્તુ હજી સ્થિર છે તેમાંથી એક પ્રાર્થના તારા પ્રતિ ઊંચે ચડે છે : ઓ મધુર પ્રભુ, પ્રકાશ અને પાવિત્ર્યના ઓ પરમ દાતા, એવું વરદાન આપ કે આખું યે પદાર્થતત્વ અને પ્રત્યેક પ્રવૃત્તિ તારા દિવ્ય પ્રેમ અને તારી સર્વાધિક પ્રશાંતિના એક સતત આવિર્ભાવ રૂપે બની રહે ...
અને મારા હૃદયમાં તારી ઉચ્ચતમ ભવ્યતાની પ્રસન્નતાનું ગાન ગુંજી રહ્યું છે.
૨૭ ઑગસ્ટ ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
એ દિવ્ય પ્રેમ, સમર્થ પ્રેમ બની રહેવું, અનંત, અગાધ પ્રેમ, હરેક પ્રવૃત્તિમાં, સ્વરૂપનાં સર્વ જગતોમાં, આ માટે તને હું પુકાર કરું છું, ઓ પ્રભુ. આ દિવ્ય પ્રેમ મને જલાવી દો, એ સમર્થ, અનંત, અગાધ પ્રેમ, હરેક પ્રવૃત્તિમાં, સ્વરૂપનાં સર્વ જગતોમાં! મને એ સળગતી અંગીઠીમાં ફેરવી નાખ, કે જેને લીધે પૃથ્વીનું આખુંય વાતાવરણ એની જ્વાલાથી વિશુદ્ધ થઈ જાય.
ઓ તારો પ્રેમ બની રહેવું અનંતપણે ...
૩૧ ઓગસ્ટ ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
આ પ્રચંડ ઊથલપાથલમાં, આ ભીષણ વિનાશની ભીતરમાં કોઈ મહાન કાર્ય થતું જોઈ શકાય છે, કોઈ નવાં બી વાવવા માટે પૃથ્વીને તૈયાર કરવા જરૂરી ખેડાણ થઈ રહ્યું છે. એમાંથી કોઈ અદ્ભુત કણવાળાં કણસલાં પાકશે, અને પૃથ્વીને નવી દેદીપ્યમાન માનવજાતિનો પાક આપશે ... વસ્તુ પૂરેપૂરી સ્પષ્ટ અને ચોક્કસરૂપે દેખાઈ રહી છે. તારા દિવ્ય તંત્રની રૂપરેખા ખૂબ સ્પષ્ટ બની ગઈ છે. અને કાર્યકર્તાઓનાં હૃદયમાં પાછી શાંતિ આવી છે અને સ્થિર થઈ છે. હવે શંકા કે સંકોચ રહ્યાં નથી. અધીરાઈ નથી, દુ:ખ નથી. હવે કેવળ કાર્યની ભવ્ય સીધી રેખા જ નજર આગળ દેખાઈ રહી છે. ભલે પરિસ્થિતિ તદન પ્રતિકૂળ દેખાતી હોય, માર્ગ આડોઅવળો ચાલ્યો જતો હોય, એવા-એવા સઘળા વિરોધો અને મિથ્યાભાસો હોવા છતાં, તેમની સામે થઈને પણ તારી શક્તિ સદાકાળથી પોતાનું કાર્ય પાર પાડયે જ જાય છે. આ સ્થૂલ દેહધારી વ્યક્તિઓ, જે અનંત આવિર્ભાવની પકડી ન શકાય તેવી ક્ષણો જેવી છે, જાણે છે કે તેમણે દેખાતાં ક્ષણિક પરિણામો સ્વીકારીને અને આવનારાં ચોક્કસ પરિણામોની પરવા કર્યા વિના, માનવજાતિને એક ડગલું નિશ્ચિતપણે આગળ લેવડાવ્યું હશે. તે શાશ્વત ગુરો, તારી સાથે તેઓ પોતાને એકરૂપ બનાવે છે, હે વિશ્વજનની, તારી સાથે તેઓ પોતાને એકરૂપ બનાવે છે, અને એ 'તત્' જે પર રહેલું છે અને એ 'તત્' જે સર્વ આવિર્ભાવમય પણ છે, એ બન્ને સાથેની દ્વિવિધ એકરૂપતામાં તેઓ સંપૂર્ણ નિશ્ચિતિનો અસીમ આનંદ અનુભવે છે.
શાંતિ, શાંતિ, અખિલ જગતમાં શાંતિ ...
યુદ્ધ એ આભાસ છે,
ઉત્પાત એક ભ્રાંતિ છે,
શાંતિ છે જ, અખંડ શાંતિ.
મા, મધુર મા જે હું છું, તું એકસાથે સંહારક પણ છે અને બાંધનાર પણ છે.
અખિલ વિશ્વ, તેની અગણિત જીવસૃષ્ટિ સાથે, તારા હૃદયમાં વસી રહ્યું છે. અને તે પણ તારી અખિલ વિરાટતા સાથે આ વિશ્વના સૂક્ષ્માતિસૂક્ષ્મ અણુમાં વસે છે.
એ 'તત્' જે અવ્યક્ત છે, એના વધુ ને વધુ સમગ્ર અને સંપૂર્ણ આવિર્ભાવ માટેનો પોકાર લઈને તારી અનંતતાની અભીપ્સા એના પ્રતિ વળે છે.
બધું જ, એકસાથે, એક ત્રિવિધ અને પારદર્શી સમગ્ર ચેતનામાં રહેલું છે, વ્યક્તિગત , વિશ્વવ્યાપી, અનંત.
૧ સપ્ટેમ્બર ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
મા ભગવતી, કેવા ઉમળકાથી, કેવા છલકાતા પ્રેમથી હું તારી પાસે આવી, તારી ગહનમાં ગહન ચેતનામાં, તારા પરમ પ્રેમ અને પૂર્ણ આનંદના ઉન્નત ધામમાં મેં પ્રવેશ કર્યો, તારા બાહુમાં હું લપાઈ ગઈ, અને એટલા તો ઉત્કટ ભાવથી તને હું ચાહવા લાગી કે હું તારારૂપે જ બની ગઈ. અને આપણી એ મૂક આનંદાવસ્થાની નીરવતામાં એ ગહન અવસ્થા કરતાંય વધુ ગહન એક અવાજ ઊઠ્યો અને બોલી રહ્યો, “તારા પ્રેમની જેમને જરૂર છે તેમની પાસે જા." અને ચેતનાની સર્વ કક્ષાઓ, સઘળી ક્રમબદ્ધ સૃષ્ટિઓ દૃષ્ટિગોચર બની રહી. એમાંની કેટલીક ઘણી ભવ્ય અને પ્રકાશમાન હતી, સુવ્યવસ્થિત અને સ્પષ્ટ હતી. ત્યાં જ્ઞાનની જ્યોતિ ઝળહળતી હતી, અભિવ્યક્તિમાં સુસંવાદ અને વિશાળતા હતાં, તપશક્તિ સમર્થ અને અજેય હતી. પછી ઓછા પ્રકાશની સૃષ્ટિઓ આવવા લાગી. તેમાં અંધકાર અને અવ્યવસ્થા વધુ ને વધુ વધવા લાગ્યાં, શક્તિ ઉગ્ર બનવા લાગી, અને સ્થૂલ જડતત્વની સૃષ્ટિ તો તદન અંધકારમય અને દુ:ખથી ભરેલી નજરે પડી. અને અમે અમારી અસીમ પ્રેમભરી દષ્ટિ એ સૃષ્ટિ ઉપર નાખી. અમે જોયું કે અમારાં સંતાનો એક ખૂનખાર જંગમાં સપડાઈ ગયાં છે, સાચા ધ્યેયથી ભ્રષ્ટ બનેલાં બળો તેમને એકબીજાના ઉપર હુમલા કરવા ધકેલી રહ્યાં છે. આ દુખિયારી અજ્ઞાન સૃષ્ટિની કારમી યાતના અમારી આગળ પૂરેપૂરી પ્રત્યક્ષ બની રહી. અને અમે પ્રબળ સંકલ્પ કર્યો કે હવે પ્રભુની દિવ્ય પ્રેમજ્યોતિનો આવિર્ભાવ સિદ્ધ કરવો જ જોઈએ, આ માર્ગભ્રષ્ટ તત્ત્વોના કેન્દ્રમાં એમને પલટી શકે તેવી એક શક્તિ મૂકી આપવી જ જોઈએ. અને અમારો સંકલ્પ વધારે પ્રબળ અને અસરકારક બને એ માટે અમે તારા તરફ વળ્યાં, તે અચિંત્ય પ્રભુ, તારી સહાય અમે યાચી. અને અજ્ઞાતનાં એ અગાધ ઊંડાણોમાંથી એક પ્રત્યુત્તર ઊઠ્યો, ભવ્ય અને પ્રચંડ. અને 'અમે' જાણ્યું કે પૃથ્વી હવે બચી ગઈ છે.
૨૫ સપ્ટેમ્બર ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હે મા ભગવતી! તારી સહાય હોય તો પછી શું અશક્ય રહે છે? સાક્ષાત્કારની ઘડી પાસે આવી છે. તારી પરમ ઇચ્છાને અમે સંપૂર્ણપણે સાકાર કરીએ એ કાર્યમાં તારી સહાય આપવાની તેં ખાતરી આપી છે.
આ સ્થૂલ જગતની સાપેક્ષ વસ્તુઓ અને અચિંત્ય પરમ સત્ય એ બે વચ્ચે સુયોગ્ય સંયોગકાર તરીકે તેં અમને સ્વીકાર્યા છે. અમારી પાસે તારી હાજરી અખંડ રહે છે એ સૂચવે છે કે તું અમને સક્રિયપણે સહકાર આપી રહી છે.
પ્રભુનો સંકલ્પ થયો છે, તું તેને સાકાર કરે છે;
પૃથ્વી ઉપર એક નવીન પ્રકાશ પ્રકટશે.
એક નવી સૃષ્ટિ જન્મ પામશે.
અપાયેલાં વચનો પાર પડશે.
૨૮ સપ્ટેમ્બર ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હે પ્રભુ, તારા સાંનિધ્યની સ્તુતિ કરવા મારી કલમ મૌન છે; છતાં તું જાણે એક રાજા છે જેણે પોતાના સામ્રાજ્યને સંપૂર્ણ કબજામાં લઈ લીધું છે. તું એના દરેક પ્રદેશમાં છે – બધું વ્યવસ્થિત કરતો, બધું યથાસ્થાને ગોઠવતો, દરેક પ્રદેશને વિકાસ કરાવતો, એને સમૃદ્ધ બનાવતો. જે ઊંધતા હતા એમને તું જગાડે છે, જે બધા તમસમાં સરી રહ્યા હતા એમને તું સક્રિય બનાવે છે; સમગ્ર સમષ્ટિમાં તું એક સંવાદિતા રચી રહ્યો છે. એવો દિવસ આવશે જ્યારે સંવાદિતા રચાઈ ગઈ હશે અને આખો દેશ પોતાના સમગ્ર જીવન દ્વારા તારા શબ્દનું વાહન બની રહેશે, તારા આવિર્ભાવનું માધ્યમ થઈ રહેશે.
પણ હમણાં, તારી સ્તુતિ કરવા મારી કલમ મૌન છે.
૩૦ સપ્ટેમ્બર ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
ઓ તું, પરમ પ્રેમ, જેને મેં કયારેય કોઈ બીજું નામ આપ્યું નથી, પણ જે મારા સ્વરૂપનું સમગ્ર રીતે પૂરું સત્વ છો. તું કે જેને હું મારા નાનામાં નાના અણુમાં, અનંત વિશ્વમાં પણ અને એનાથી પણ પાર, જીવંત અને રણઝણતો અનુભવું છું, તું કે જે હરેક શ્વાસમાં શ્વાસ લઈ રહ્યો છે, બધી ક્રિયાઓના કેન્દ્રમાં વિચરી રહ્યો છે, તું જે બધી શુભ ઇચ્છાઓ દ્વારા પ્રકાશમાન છો અને બધી યાતનાઓની પાછળ સંતાયેલો છો, તું કે જેને માટે હું એક નિરંતર ઉત્કટ બનતો અસીમ ભક્તિભાવ ધરાવું છું, તું એવું વર આપ કે હું વધુ ને વધુ વાસ્તવિક રીતે અનુભવું કે સમગ્રરૂપે હું તું જ છું.
અને તું, હે પ્રભુ, જે આ સર્વમાંથી એકરૂપ બનેલો છે અને એથી પણ વધુ છે, ઓ પરમ ગુરુ, અમારા ચિંતનની છેલ્લામાં છેલ્લી સીમા, તું જે અમારે માટે અજ્ઞાતના ઉંબરે ઊભો છે, એ અચિન્ત્ય તત્વમાંથી કોઈક નવીન તેજસ્વિતા, કોઈ વધુ ઉચ્ચ અને સંપૂર્ણ સાક્ષાત્કારનો આવિર્ભાવ થવા દે, જેથી કરીને તારું કાર્ય સિદ્ધ થાય અને વિશ્વ એક ભવ્ય તાદાત્મ પ્રતિ એક પરમ આવિર્ભાવ પ્રતિ એક ડગલું આગળ ભરે.
અને મારી કલમ હવે શાંત થતી જાય છે અને મૌનમાં તારી આરાધના હું કરી રહી છું.
૫ ઓક્ટોબર ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હે દિવ્ય ગુર! તારા ધ્યાનની શાંત નીરવતામાં પ્રકૃતિને શક્તિ મળે છે અને તે ફરી મજબૂત બને છે. વ્યક્તિત્વના સિદ્ધાંતની પાર તે ચાલી ગઈ છે અને તારી અનંતતામાં તે ડૂબેલી છે – તારી અનંતતા જે કોઈપણ અંધાધૂંધી કે અવ્યવસ્થિતતા ઊભી થવા દીધા વિના દરેક ક્ષેત્રમાં એકતા સિદ્ધ થવા દે છે. જે બધું ટકી રહ્યું છે, જે બધું પ્રગતિ કરી રહ્યું છે અને જે બધું અનંતસ્વરૂપે રહેલું છે, એ બધાંની સંવાદિતા એક વધુ સંકુલ, વધુ વિસ્તરિત અને વધુ ભવ્ય સમતોલપણામાં ધીમે ધીમે પરિણમે છે. અને જીવનની ત્રણ સ્થિતિઓના એકબીજા સાથેના આ આદાન-પ્રદાનથી તારો આવિર્ભાવ સમૃદ્ધ બને છે.
આ ક્ષણે તને કેટલાંયે દુઃખી અને સંશયગ્રસ્ત મનુષ્યો શોધી રહ્યાં છે. હું ઇચ્છું કે તારી પાસે તેમને લઈ આવનાર સંયોગકાર હું બની શકું, કે જેથી તેમને તારી જ્યોતિ પ્રકાશિત કરે, તારી શાંતિ તેમને આશ્વાસન આપે. હું પોતે હવે તારા કાર્ય માટે એક આધારનું બિંદુમાત્ર બની રહી છું, તારી ચેતના માટે એક કેન્દ્ર બની રહી છું. ક્યાં છે હવે મર્યાદાઓ, ક્યાં ભાગી ગયાં પેલાં વિઘ્નો? તારા આ રાજ્યનો હવે તું જ એકચક્રી સમ્રાટ છે.
૭ ઑક્ટોબર ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
ઓહ, આખીયે પૃથ્વી ઉપર પ્રકાશ વરસી રહો અને પ્રત્યેક હૃદયમાં શાંતિ નિવાસ કરો!... લગભગ બધા લોકો માત્ર આ સ્થૂલ જીવનને જ જાણતા હોય છે કે જે ભારમય, જડ, રૂઢિપરાયણ, અપ્રકાશિત છે; તેમની પ્રાણની શક્તિઓ અસ્તિત્વના આ સ્થૂલ રૂપ સાથે એટલી બધી તો બંધાઈ ગયેલી હોય છે કે, એ પોતે એકલા પડેલા હોય અને શરીરમાંથી બહાર હોય ત્યારે પણ, તેઓ આ હજી પણ આટલી બધી ઉપદ્રવકારક અને વેદનાભરી રહેલી સ્થૂલ નાની નાની વસ્તુઓમાં જ નર્યા ડૂબેલા રહે છે ... જે લોકોમાં મનોમય જીવન જાગૃત બનેલું છે તેઓ તો બેચેન છે, સંત્રસ્ત છે, ક્ષુબ્ધ છે, તરંગવશ, આપખુદ છે. એ લોકો જે નવસર્જન અને રૂપાંતરનાં સ્વપ્ન સેવતા હોય છે તેના જ વમળમાં પૂરેપૂરા સપડાઈ ગયેલા હોઈ, ક્યા પાયા ઉપર રચના કરવી જોઈએ તેના કશા જ્ઞાન વિના, હરેક વસ્તુનો નાશ કરી દેવા તૈયાર બનેલા છે, અને તેમની પાસે જે પ્રકાશ છે, તે તો આંખને આંજી નાખતા ઝબકારાઓનો બનેલો હોઈ, તે વડે તેઓ આ અંધાધૂંધીને શાંત પાડવામાં મદદ કરવાને બદલે તેમાં વધુ ને વધુ વધારો કરી રહ્યા છે.
સૌ કોઈમાં તારા સર્વસમર્થ ચિંતનની અવિકારી શાંતિનો તથા તારા અવિનાશી સ્વસ્થ શાંત દર્શનનો અભાવ જ વરતાય છે.
અને હું તને, આ પરમ કરુણા જેના પર તેં વરસાવી છે એવી વ્યક્તિની અનંત કૃતજ્ઞતાપૂર્વક, વિનંતી કરું છું કે, હે પ્રભુ, આ વર્તમાન ખળભળાટના આવરણ હેઠળ, આ બેસુમાર અંધાધૂંધીના ખુદ હૃદયની અંદર જ ચમત્કાર સિદ્ધ થાઓ, અને તારો પરમ સ્વસ્થતાનો અને વિશુદ્ધ અવિકારી પ્રકાશનો નિયમ સર્વની નજર સમક્ષ દૃશ્યમાન બનો અને આખરે તારી દિવ્ય ચેતના પ્રત્યે જાગૃત બનેલી માનવજાતિમાં તે પૃથ્વીનું શાસન કરો.
હે મધુર ગુરુ, તેં મારી પ્રાર્થના સાંભળી છે, તું મારા પુકારને જવાબ આપશે.
૧૪ ઓક્ટોબર ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
મા ભગવતી, તું અમારા સાથમાં છે; પ્રત્યેક દિવસે તું મને અભયદાન આપી રહી છે, અને એક વધુ ને વધુ સમગ્ર બનતા, વધુ ને વધુ સતત બની રહેતા તાદાત્મ્યની અંદર એકરૂપ બનેલા, અમે વિશ્વના સ્વામી પ્રતિ, એનાથી પણ પર જે 'તત્' છે તેના પ્રતિ, એક નવા પ્રકાશ માટેની મહાન અભીપ્સા સાથે અભિમુખ બનીએ છીએ. આખી પૃથ્વી અમારા હાથમાં એક માંદા બાળક જેવી છે. એનો રોગ મટાડવાનો છે, એ દુર્બળ છે એટલા માટે જ એના તરફ ખાસ પ્રેમ થાય છે. બ્રહ્માંડના શાશ્વત આવિર્ભાવોની વિરાટતામાં અમે ઝૂલી રહ્યાં છીએ, અમે પોતે એ શાશ્વત આવિર્ભાવ બની રહ્યાં છીએ, અને એ અવસ્થામાં રહ્યાં રહ્યાં આનંદથી સભર અને શાંત બનીને તારી નિ:સ્પદ નીરવ શાંતિની શાશ્વતતાનું અમે ચિંતન કરીએ છીએ. એ નિ:સ્પદ નીરવતામાં અમે જોઈએ છીએ કે વિશ્વથી પર રહેલા સકલ અજ્ઞાત તત્વમાં પ્રવેશ કરવાના અદ્દભુત દ્વાર જેવી તારી પૂર્ણ ચેતનામાં, તારા અક્ષર અવિકારી અસ્તિત્વમાં સર્વ કંઈ સિદ્ધ બનીને જ રહેલું છે.
અને પરદો ઉઠી જાય છે, તારી અવર્ણનીય જ્યોતિનાં અમને દર્શન થાય છે, અને એ શબ્દાતીત જ્યોતિથી સભર બનીને આ સુખદ સમાચાર સૃષ્ટિને આપવા અમે જગત તરફ વળીએ છીએ.
પ્રભુ, તેં મને અપરંપાર સુખ આપ્યું છે અને હવે મારી પાસેથી ઝૂંટવી લેવાની શક્તિ કઈ વ્યક્તિમાં, ક્યા સંજોગોમાં છે?
૨૫ ઑક્ટોબર ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હે પ્રભુ, તારા માટેની મારી અભીપ્સાએ એક સુંદર ગુલાબનું રૂપ લીધું છે. એની હરેક પાંદડી ખીલેલી છે, સંવાદમય છે, સુગંધથી છલકાતી છે. મારા બેય હાથમાં એને ઉઠાવી હું તને એ અર્પણ કરું છું અને પ્રાર્થું છું : મારી સમજશક્તિ મર્યાદિત હોય તો તેને વિશાળ કરજે, મારા જ્ઞાનમાં હજી અજ્ઞાન હોય તો ત્યાં પ્રકાશ પૂરજે, મારા હૃદયમાં ઉત્સાહનો અભાવ હોય તો ત્યાં આગ જલાવી આપજે, મારો પ્રેમ ક્ષીણ હોય તો તેને તીવ્ર બનાવી આપજે, મારી લાગણીઓ અજ્ઞાન અને અહંભાવી હોય તો તેમને સત્યની સંપૂર્ણ ચેતના તું આપજે. અને, મારા પ્રભુ, આ જે ‘હું’ તને પ્રાર્થના કરે છે તે કંઈ આ જગતના હજારો નાનકડા 'હું' માંનો એક 'હું' નથી. એ સમસ્ત પૃથ્વીનો પોકાર છે. એક પ્રચંડ ઊર્મિથી છલકાતી એ પૃથ્વી તારા માટે આતુરતાથી ઝંખી રહી છે.
મારા ધ્યાનની સંપૂર્ણ નીરવતામાં, બધું અનંત પ્રતિ વિશાળ બનતું જાય છે, અને નીરવતાની એ સંપૂર્ણ શાંતિમાં, તારા ભવ્ય ઝળહળતા પ્રકાશસ્વરૂપે તું દર્શન આપે છે.
૮ નવેમ્બર ૧૯૧૪
આ પ્રાર્થના | અહીં સાંભળો |
તારા પ્રકાશની વિપુલતા માટે તારું આવાહન કરીએ છીએ, હે પ્રભુ! તારો આવિર્ભાવ કરવાની શક્તિ અમારામાં જાગ્રત કર.
સ્વરૂપની અંદર બધું મૂક છે, રણની કોઈ ગુફામાં હોય એવું, પણ એ છાયાની મધ્યે, એ શાંતિના હૃદયમાં એક જ્યોત જલે છે, તને જાણવા માટેની અને તેમાં સમગ્ર રીતે જીવવા માટેની તીવ્ર અભીપ્સાનો એક અગ્નિ, જે કદી ઓલવી શકાવાનો નથી.
રાત્રિઓ પછી દિવસો આવ્યે જાય છે, ભૂત થતી જતી ઉષાઓ પછી નવી ઉષાઓ અવિશ્રાંતપણે આવ્યે જાય છે, પરંતુ પેલી સૌરભપૂર્ણ જ્યોત, કે જેને કોઈ પણ આંધી કંપાવી શકે તેમ નથી, તે તો સદા બઢયે જ જાય છે. એ ચઢે છે, ઊંચે ને ઊંચે, અને એમ ચડતી ચડતી એક દિવસે પેલા બંધ ઘુમ્મટ પાસે, આપણા મિલન વચ્ચેના છેલ્લા અંતરાય પાસે પહોંચી જાય છે. અને એ જ્યોત એવી તો વિશુદ્ધ છે, સ્થિર અને ઊર્ધ્વગામી છે, ગર્વભરી છે કે પેલો અંતરાય એકાએક જ ગળી જાય છે.
અને તારાં દર્શન થાય છે. તારી અખિલ પ્રભા, તારી અસીમ શક્તિનો ઝળહળતો પ્રભાવ પ્રગટે છે. તારો સ્પર્શ થતાં વેંત પેલી જ્યોત તેજનો સ્થંભ બની જાય છે. અને સદાને માટે પેલા અંધકારને ભગાડી મૂકે છે.
અને પરમ શબ્દ એકાએક દર્શન દે છે, એક વરિષ્ઠ દર્શન.
વર્ષ : ૧૯૧૫
૧૫ ફેબ્રુઆરી ૧૯૧૫
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હે સત્યના પ્રભુ, તારા આવિર્ભાવ માટે મેં ઊંડી તીવ્રતાથી તારું આવાહન ત્રણ વાર કર્યું છે.
પછી, હંમેશની જેમ, આખાય સ્વરૂપે પોતાનું સમગ્ર સમર્પણ કર્યું. એ ક્ષણે ચેતનાએ જોયું કે વ્યક્તિ-સ્વરૂપ : મન, પ્રાણ અને શરીર, આખુંય ધૂળથી છવાયેલું હતું અને તેને દંડવત્ પ્રણામ કરી રહ્યું હતું – એનું કપાળ જમીનને અડતું હતું, ધૂળની સાથે ધૂળ, અને એણે તને પોકાર કર્યો : “હે પ્રભુ, આ ધૂળનું બનેલું સ્વરૂપ તને દંડવત્ પ્રણામ કરે છે અને પ્રાર્થના કરે છે કે સત્યનો અગ્નિ એને સંપૂર્ણપણે ઓગાળી નાખે જેથી એ માત્ર તારો જ આવિર્ભાવ કરે.” અને તેં એને કહ્યું, “ઊભું થા, ધૂળમાત્રથી તું મુક્ત થયું છે.” અને એકાએક, એક ક્ષણમાં, કોઈ વસ્ત્ર જમીન ઉપર સરી પડે એમ એ ધૂળનું આવરણ નીચે સરી પડ્યું અને એ સ્વરૂપનું દર્શન થયું, ટટાર, એટલું જ સઘન, પણ આંખને આંજી નાખે એવા પ્રકાશથી ઝળહળતું.
૩ માર્ચ ૧૯૧૫
આ પ્રાર્થના | અહીં સાંભળો |
'કામો મારુ’ સ્ટીમર ઉપર-
નિર્જનતા, એક કઠોર ભીષણ નિર્જનતા, અને જાણે કોઈ અંધારા નરકમાં સાવ ધકેલાઈ જવાયું હોય તેવી એક તીવ્ર સતત લાગણી. મારી આસપાસ, હું જેને સત્ય સમજું છું, તેથી તદ્દન વિપરીત, મારા જીવનના ઉત્તમ તત્વરૂપ જેને હું માનું છું તેથી સાવ વિરોધી એવી પરિસ્થિતિ છે. મારા જીવનમાં ક્યારેય પણ, કોઈ પણ પરિસ્થિતિમાં મને આવો અનુભવ નથી થયો. કદી કદી જ્યારે આ વિરોધની લાગણી ઘણી તીવ્ર બની જાય છે ત્યારે મારા સર્વાંગ સમર્પણમાં પણ વિષાદની છાયા ચડી આવે છ. મારા અંત:સ્થ પ્રભુ સાથેનો મારો શાંત અને મૂક વાર્તાલાપ અટકી જાય છે અને હું ક્ષણભર દીન થઈ જાઉં છું અને પુકારી રહું છું, “હે પ્રભુ, મેં શું કર્યું છે કે તેં મને આ અંધારી રાતમાં ફેંકી દીધી છે?” પણ તરત અભીપ્સા વધુ ઉત્કટ બનીને ઉપર ચડે છે, “આ સ્વરૂપની બધી દુર્બળતા દૂર કર; તારા કાર્યનું, એ કાર્ય ગમે તે હો, એને એક નમ્ર અને સ્પષ્ટ-દષ્ટિવાળું કરણ બનાવ.”
૭ માર્ચ ૧૯૧૫
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હરેક પ્રકારના આધ્યાત્મિક સુખમાંથી મને જાણે કે દેશવટો મળી ગયો છે. અને તારી સૌ કસોટીઓમાં આ કસોટી કપરામાં કપરી છે, પ્રભુ. પરંતુ એથીયે વિશેષ દુ:ખદાયક વસ્તુ તો એ છે કે તારી ઇચ્છાને પણ તે પાછી ખેંચી લીધી છે. એ તો જાણે કે એમ જ સૂચવે છે કે મારા પ્રત્યે તારી હવે લેશમાત્ર સંમતિ રહી નથી. તેં મને તરછોડી દીધી છે એવું ભાન વધુ ને વધુ તીવ્ર બનતું જાય છે.એકલીઅટુલી પડી ગયેલી બાહ્ય ચેતના પર ઉગ્ર વિષાદના જે હુમલા થઈ રહ્યા છે તેની સામે ટકી રહેવા માટે તો એક અથાક અને પ્રખર શ્રદ્ધાનું સમગ્ર બળ એકત્ર કરવાનું રહે છે ...
પરંતુ આ બાહ્ય ચેતના નિરાશ થવાને તૈયાર નથી. એ નથી માની શકતી કે આ દુર્ભાગ્યમાંથી કોઈ મુક્તિબારી છે જ નહિ. વિનમ્ર ભાવે એ રાહ જોઈ રહી છે. પોતાના અલ્પ પ્રકાશમાં એકલી એકલી છાનીછાની એ મથી રહી છે. તારા પૂર્ણ આનંદનો ઉચ્છવાસ એનામાં પાછો વહેવા માંડે તે માટે ઝૂઝી રહી છે. અને જે કંઈ નાનકડા અને ગુપ્ત વિજયો એને મળી રહ્યા છે તે કદાચ આ પૃથ્વીને માટે સાચી મદદ લઈ પણ આવતા હશે ...
આ બાહ્ય ચેતનામાંથી જ પૂરેપૂરું બહાર ચાલ્યું જવાય, અને દિવ્ય ચેતનામાં જઈને બેસી જવાય તો કેવું સારું! પણ એની તો તેં મનાઈ કરેલી છે, અને એ મનાઈ હજી પણ ચાલુ છે અને હંમેશને માટે ચાલુ રહેવાની છે. જગતમાંથી નાસી જવાનું નથી જ! પ્રભુ તરફથી હરેક પ્રકારની મદદ પાછી ખેંચી લેવામાં આવે તોપણ છેવટ સુધી જગતના આ અંધકારનો અને અભદ્રતાનો બોજો વહ્યે જ જવાનો છે. મારે રાત્રિના હૃદયમાં રહેવાનું જ છે, હોકાયંત્ર હો કે ન હો, ધ્રુવનો પ્રકાશ દેખાઓ કે ન દેખાઓ, અંતરમાંથી માર્ગ જડો યા ન જડો તોય મારે તો ચાલ્યે જ રાખવાનું છે.
હું તારી કૃપા માટે અરજ પણ નહિ કરું; કારણ મારે માટે તારી જે કંઈ ઇચ્છા હશે, તે જ ઇચ્છા મારી પણ રહેશે. કેવળ આગળ ધપ્યે જવું, એક એક કદમ કરીને પણ હંમેશાં ધપ્યે જ જવું, એ કાર્ય માટે જ મારી સઘળી શક્તિ એકાગ્ર બની છે, ભલે અંધારું ગમે તેટલું ગાઢ હોય, માર્ગમાં ગમે તેટલાં વિઘ્ન હોય અને ભલે ગમે તે થાય, હે પ્રભુ, તારો નિર્ણય હું અચલ અને તીવ્ર પ્રેમથી આવકારી લઈશ. તારી સેવા માટે આ કરણ તને પૂરતું યોગ્ય ન જણાય તોપણ એ કરણ હવે તારું છે, એના પરથી એની પોતાની માલિકી ચાલી ગઈ છે; તું એને ભાંગી નાખી શકે છે યા તો મહાન બનાવી શકે છે, એ હવે પોતાની અંદર જીવતું નથી, એ કશી ઇચ્છા કરતું નથી, તારા વિના એ હવે કંઈ કરી શકે તેમ નથી.
૮ માર્ચ ૧૯૧૫
આ પ્રાર્થના | અહીં સાંભળો |
મોટા ભાગના સમય દરમિયાન, સ્વરૂપમાં એક શાંત અને ઊંડી નિરપેક્ષતા સ્થિર થઈ બેઠી છે; સ્વરૂપને નથી થતી કશી ઈચ્છા, કશી ધૃણા, નથી કોઈ ઉત્સાહ નથી કોઈ વિષાદ, નથી આનંદ નથી શોક. એ જીવનને એક ખેલરૂપે જોઈ રહ્યું છે કે જેમાં તે એક ખૂબ નાનકડો ભાગ ભજવી રહ્યું છે; એ જીવનની ક્રિયાઓને અને પ્રતિક્રિયાઓને, તેના સંઘર્ષોને અને બળોને, એવી વસ્તુઓ રૂપે જોઈ રહ્યું છે જે એકીસાથે એની પોતાની નાની વ્યક્તિતાની બધી બાજુએથી છલકાઈ જતા પોતાના અસ્તિત્વના ભાગ રૂપે પણ છે અને વ્યક્તિતા માટે સંપૂર્ણ રીતે અસંગત અને દૂરની પણ છે.
થોડે થોડે વખતે એક ઊંડો નિ:શ્વાસ સરી પડે છે, શોકનો, દુ:ખભરી એકલતાનો, આત્માની રંકદશાનો; જાણે કે પ્રભુએ પરહરેલી પૃથ્વી નિરાશ બનીને ઘા નાખી રહી છે ... આ દર્દ જેટલું મૂંગું છે તેટલું જ દારુણ પણ છે. આ વિષાદમાં વિનમ્રતા છે, એમાં વિરોધભાવ નથી. એમાંથી બચી જવાની કે નીકળી જવાની ઇચ્છા નથી. એમાં એક એવી અપાર મધુરતા ભરી છે કે જેમાં વેદના અને આનંદ પરસ્પરમાં એકરૂપ થઈ ગયાં છે. કંઈક અનંતરૂપે વિશાળ, મહાન અને ગહન, અતિ મહાન, મનુષ્યોથી સમજી શકાવા માટે કદાચ અતિગહન ... કંઈક જે પોતાના ભીતરમાં આવતીકાલના બીજને ધારણ કરી રહ્યું છે ...
વર્ષ : ૧૯૧૬
૨૬ ડિસેમ્બર ૧૯૧૬
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હે પ્રભુ, એ નીરવ શાંતિમાં તું મને હમેશાં જે શબ્દ સંભળાવી રહ્યો છે તે મધુર છે, પ્રોત્સાહક છે. પરંતુ હું એ નથી સમજી શકતી કે તું આ કરણ ઉપર જે કૃપા વરસાવી રહ્યો છે તે માટે એનામાં કઈ પાત્રતા છે, અથવા તો તું એની પાસેથી જે કાર્યની આશા રાખે છે તે કરવાની શક્તિ એનામાં કઈ રીતે આવવાની છે. એ આખું કરણ ખૂબ નાનું છે, દુર્બળ છે, અતિસામાન્ય છે. આ ભીષ્મ કાર્ય ઉપાડવા માટે જે તીવ્રતા, જે સામર્થ, જે વિશાળતા જરૂરી છે તેમાંનું એની પાસે કશું જ નથી. પણ હું જાણું છું કે મનના આ બધા ખ્યાલોનું બહુ ઓછું મહત્ત્વ છે. મન પોતે પણ આ જાણે છે અને તેથી, શાંત ભાવે, એ પણ રાહ જોઈને બેઠું છે કે તારો આદેશ કઈ રીતે સાકાર બને છે. - તારી મને આશા છે કે મારે વગર અટક્યે ઝૂઝયા જ કરવું. અને મને પણ ઇચ્છા થાય છે કે દરેક મુસીબતને જીતી શકે એવો અદમ્ય ઉત્સાહ મારામાં આવે. પણ તેં મારા હૃદયમાં એક એવી તો મરકમરક થતી શાંતિ મૂકી આપી છે કે, મને ભય છે કે, કઈ રીતે પ્રયત્ન કરવો એ પણ હું ભૂલી ગઈ છું. મારામાં વસ્તુઓ વિકસી રહી છે, શક્તિઓ અને ક્રિયાઓ, પુષ્પોની પેઠે, આપોઆપ, કશાય પ્રયત્ન વિના ખીલી રહી છે. કેવળ “હોવું"નો આનંદ, વિકસવાનો આનંદ, તારો આવિર્ભાવ કરવાનો આનંદ, પછી એ આવિર્ભાવ ગમે તે રૂપે થાય, એ જ અવસ્થા સભર ભરેલી છે. હવે જો કશો સંઘર્ષ આવે છે તોપણ તે એટલો તો હળવો અને સહેલો હોય છે કે એને સંઘર્ષનું નામ પણ ભાગ્યે આપી શકાય. પણ આવા મહાન પ્રેમને ધારણ કરવા માટે આ હૃદય કેટલું બધું નાનું પડે તેમ છે! એ પ્રેમને જગતમાં વહેંચી આપવાની શક્તિ ધારણ કરવા માટે આ પ્રાણ અને આ શરીર કેટલાં બધાં દુર્બળ છે! તેં મને આ પરમાભુત માર્ગના ઉંબર ઉપર તો આમ મૂકી દીધી છે, પણ એ માર્ગ પર આગળ વધવા માટે મારા પગમાં શક્તિ હશે ખરી? ... પણ તું તો મને જવાબ આપે છે કે મારે તો ઊડવાનું છે, ચાલવાની ઇચ્છા સેવવી એ તો ભારે ભૂલ થશે ... હે, પ્રભુ! કેટલી અપાર છે તારી કરુણા! ફરી એક વાર તેં મને તારા સર્વ સમર્થ બાહુમાં લઈ લીધી છે, તારા અગાધ હૃદય ઉપર તેં મને ઝુલાવી છે અને તારા હૃદયે મને કહ્યું છે, "તારી જાતને જરા પણ રિબાવીશ મા! બાળક પેઠે શ્રદ્ધાળુ બની જા. મારા કાર્ય માટે મેં જે સ્વરૂપ ધારણ કર્યું છે તે જ શું તું નથી?”
૨૭ ડિસેમ્બર ૧૯૧6
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હે મારા પ્રિયતમ પ્રભુ, મારું હૃદય તારી સામે નમી રહ્યું છે, મારા બાહુઓ તારા તરફ લંબાઇને તને વીનવી રહ્યા છે કે તારા પરમ પ્રેમ વડે તું આ આખા સ્વરૂપને પ્રજ્વલિત કરી દે કે ત્યાંથી એ જગત ઉપર ફેલાઈ રહે. મારું હૃદય છાતીમાં ખુલ્લું વિશાળ છે; મારું હૃદય ખુલ્લું થઈને તારી તરફ વળેલું છે, એ ખુલ્લું પણ છે અને ખાલી પણ છે કે તું તારા દિવ્ય પ્રેમથી એને ભરી દે; તારા સિવાય એનામાં કશું નથી અને તારી હાજરી એના અણુએ અણુમાં સભર રહેલી છે અને છતાં એને એ ખાલી રહેવા દે છે કારણ આવિર્ભત જગતની અનંત વિવિધતાને પણ એ પોતામાં સમાવી શકે એમ છે.
હે પ્રભુ, તને વિનંતી કરતા મારા બાહુ લંબાયા છે, મારું હૃદય તારી સામે ખુલ્લું વિશાળ છે કે તું એને તારા અસીમ પ્રેમનો એક ભંડાર બનાવી લે.
"બધી જ વસ્તુઓમાં, બધે જ અને બધાં પ્રાણીઓમાં મને પ્રેમ કર” - તારો જવાબ મળ્યો. તને હું સાષ્ટાંગ પ્રણામ કરું છું અને તારા કહ્યા પ્રમાણે કરવાની શક્તિ તારી પાસે માગું છું.
વર્ષ : ૧૯૧૭
૩૦ માર્ચ ૧૯૧૭
આ પ્રાર્થના | અહીં સાંભળો |
પોતાની જાતને વિષે કશે પણ વિચાર ન કરવો એમાં તો એક ચક્રવતી રાજત્વ રહેલું છે. જરૂરિયાતો હોવી એટલે કે એક નિર્બળતાને જોરપૂર્વક જણાવવી; કોઈ વસ્તુ માટે હકદાવો કરે એ
એમ પુરવાર કરે છે કે આપણે જેને માટે હકદાવો કરીએ છીએ તે આપણામાં નથી. ઈચ્છા કરવી એટલે અસહાય બની રહેવું; એમાં આપણે આપણી મર્યાદિતતાઓને મંજૂરી આપીએ છીએ અને તેમને જીતવાની આ પણ અશક્તિને જણાવી દઈએ છીએ. કાંઈ નહિ તો એક સાચા એવા અભિમાનની રીતે પણ, માણસે એટલા તે ઉમદા બનવું જોઈએ કે તે ઇચ્છાનો ત્યાગ કરી દે. જીવન પાસેથી અથવા તો એ જીવનમાં પ્રાણસંચાર કરી રહેલી પરમ ચેતના પાસેથી કશું પણ માગવું એ કેટલું તો શરમજનક છે! આપણા માટે એ કેટલું બધું શરમજનક છે, પરમ ચેતનાની સામે કેવો તો અજ્ઞાનભરેલો અપરાધ છે!
કેમ કે આપણને બધું જ મળી શકે તેમ છે, આપણા સ્વરૂપની જે અહંકારજન્ય મર્યાદાઓ છે તે જ માત્ર આપણને આખાયે વિશ્વને આનંદ માણતાં રોકી રાખે છે, આપણી પાસે જેમ આપણું શરીર છે અને તેની આસપાસની પરિસ્થિતિઓ છે તેના જેવી જ સંપૂર્ણ અને સઘન રીતે આપણે વિશ્વને માણી શકીએ છીએ.
કર્મનાં સાધનો પ્રત્યે પણ આપણું વલણ આ પ્રકારનું રહેવું જોઈએ.
મારા હૃદયમાં નિવાસ કરતા અને તારી પરમ સંકલ્પ-શક્તિ દ્વારા હરેક વસ્તુનું સંચાલન કરનાર તેં, એક વર્ષ પૂર્વે મને કહ્યું હતું કે તમામ પુલોને કાપી નાખ, અને તારી જાતને વેગપૂર્વક અજ્ઞાતની અંદર ઝંપલાવી દે, રુબિકૉન ઓળંગતી વખતે સીઝરે જે કહ્યું હતું : કાં તે કૅપિટોલ કે પછી ટાર્પિયન ખડક, એની માફક.
મારી આંખો આગળથી તેં કર્મના પરિણામને છુપાવી રાખ્યું હતું. હજી પણ તું એને ગુપ્ત રાખી રહ્યો છે; અને છતાં તું જાણે છે કે મારા આત્માની સમતા વૈભવ યા તો વેદનાની સમક્ષ એની એ જ ટકી રહે છે.
તારી ઈચ્છા એવી હતી કે મારે માટે ભાવિ અનિશ્ચિત રહેવું જોઈએ, અને મારે રસ્તે ક્યાં લઈ જશે તે જાણ્યા વિના પણ આગળ વધતા રહેવું જોઈએ.
તારી ઈચ્છા એવી હતી કે મારે મારા ભાવિ વિષેની બધી જ ચિંતા તને પૂરેપૂરી સોંપી દેવી જોઈએ અને હરેક રીતની ખાસ અંગત પ્રવૃત્તિનું વિસર્જન કરી દેવું જોઈએ.
આ, બેશક, એટલા માટે હતું કે મારો માર્ગ મારા પોતાના ચિત્ત સમક્ષ પણ અદ્રષ્ટરૂપે જ રહેવો જોઈએ.
૩૧ માર્ચ ૧૯૧૭
આ પ્રાર્થના | અહીં સાંભળો |
જ્યારે જ્યારે તારા દૈવી ઉચ્છવાસનો સ્પર્શ થતાં કોઈક હૃદય જાગી ઊઠે છે ત્યારે પૃથ્વી ઉપર જાણે થોડુંક વધુ સૌન્દર્ય જન્મ લેતું દેખાય છે, હવામાં એક મીઠી મઘમઘતી સૌરભ ફેલાઈ જાય છે, આખું જગત વધુ મૈત્રીભર્યું બને છે.
હે સર્વ જીવનના સ્વામી! તારી શક્તિ કેટલી બધી અસીમ છે! તારા આનંદનો એક અણુ પણ પારાવાર અંધકારને, અસંખ્ય દુઃખોને મિટાવી દેવાને પૂરતો છે. તારી જ્યોતિનું એકાદ કિરણ પણ જડમાં જડ કંકરને, કાળામાં કાળી ચેતનાને પ્રકાશથી ભરી દઈ શકે છે!
તેં મારા ઉપર તારી કૃપાઓના ગંજ ખડક્યા છે, અનેકાનેક ગુપ્ત રહસ્યો તેં મારી સમક્ષ પ્રગટ કર્યા છે, તે મને કેટલાયે અણધાર્યા અને અણકલ્પ્યા આનંદોનો રસ ચખાડ્યો છે, પરંતુ તારા એ કૃપાપ્રસાદો કરતાંય એક ઘણો મહાન પ્રસાદ તું મને આપે છે કે જ્યારે તારા દૈવી ઉચ્છવાસનો સ્પર્શ થતાં માનવહૃદય ઝબકીને જાગી ઊઠે છે.
આ ધન્ય ક્ષણોમાં સારીયે પૃથ્વી આનંદનું એક સ્તવન ગાઈ રહી છે, ભૂમિનાં તરણાં આનંદથી કંપી રહ્યાં છે, હવા પ્રકાશથી રણઝણી રહી છે, તરુવરો આકાશ પ્રતિ પોતાની અતિ આર્ત પ્રાર્થના પ્રેરી રહ્યાં છે, પંખીઓનો કલરવ એક ગાનરૂપ બની રહ્યો છે, સાગરનાં મોજાં પ્રેમથી ગરજી રહ્યાં છે, બાળકોનું સ્મિત અનંતની વાર્તા કહેવા લાગે છે અને માનવોનો આત્મા તેમની આંખમાં આવીને વિરાજી રહ્યો છે.
કહે કહે, મારા પ્રભુ, તું મને એ આપીશ? – આશાતુર અંત:કરણોમાં આ ઉષાને જન્મ દેવાની, તારા પરમ દિવ્ય ચૈતન્ય પ્રત્યે માનવોની ચેતનાને જાગૃત કરવાની, આ ઉજ્જડ અને દુખિયારી દુનિયામાં તારા સાચા સ્વર્ગનો એકાદ અંકુર પણ પ્રગટ કરવાની એ અદ્દભુત શક્તિ તું મને આપીશ? જગતનું કયું સુખ, કઈ સંપત્તિ, કઈ દુન્યવી શક્તિઓ તારી આ અદ્ભુત બક્ષિસની તુલનામાં આવી શકે તેમ છે!
પ્રભુ, મેં તને કરેલી પ્રાર્થના કદીયે નિષ્ફળ ગયેલી નથી, કારણ તારી સાથે આ જે વાત કરે છે તે મારામાં રહેલું તારું પોતાનું સ્વરૂપ – તું પોતે જ છે.
તારા પરમ સમર્થ પ્રેમની સજીવન અને મુક્તિદાયક જ્યોતિને તું પૃથ્વીને ફલવતી કરતી એક વર્ષા રૂપે બુંદ બુંદ કરીને વરસવા દઈ રહ્યો છે. એ શાશ્વત જ્યોતિનાં આ બિંદુઓ અમારી આ અંધારી અવિદ્યાની સૃષ્ટિ ઉપર જ્યારે મૃદુતાથી ઊતરતાં હોય છે ત્યારે એ જોઈને કહેવાનું મન થાય છે કે એક ઘનશ્યામ આકાશમાંથી જાણે કે સોનેરી તારાઓ પૃથ્વી ઉપર એક એક કરતા વરસી રહ્યા છે.
આ પુનઃ પુન: બની રહેતા અસ્ખલિત ચમત્કારની સમક્ષ સારુંયે જગત મૂક આરાધનામાં પ્રણામ કરતું ઢીંચણીયે ઢળી પડે છે.
૭ એપ્રિલ ૧૯૧૭
આ પ્રાર્થના | અહીં સાંભળો |
એક ગહન ધ્યાનાવસ્થાએ મને પોતામાં મગ્ન કરી દીધી. મેં જોયું કે હું એક ચેરી-વૃક્ષના પુષ્પ સાથે એકરૂપ બની રહી છું, પછી એ પુષ્પ સાથેની એકરૂપતા દ્વારા હું બધાંય ચેરી-પુષ્પો સાથે એકરૂપ બનવા લાગી છું. અને પછી, એક નીલ રંગની શક્તિના પ્રવાહની પાછળ પાછળ ચાલતાં ચાલતાં, હું ચેતનામાં જેમ જેમ વધુ ને વધુ ઊંડે ઊતરતી ગઈ, ત્યાં એકાએક હું પોતે જ એ ચેરી વૃક્ષ બની ગઈ. એ વૃક્ષની અગણિત ડાળીઓ જાણે તે દરેક મારો એકએક હાથ હોય તેમ આકાશ તરફ હું પસારવા લાગી. એ ડાળીઓ પરનાં પુષ્પ જાણે પૂજાનો અર્ધ્ય બની રહ્યાં. અને પછી મેં સ્પષ્ટપણે આ વાક્ય સાંભળ્યું :
"આ પ્રમાણે તેં ચેરી-વૃક્ષોના આત્મા સાથે એકરૂપતા પ્રાપ્ત કરી છે અને એ ઉપરથી તું સમજી શકીશ કે પ્રભુ પોતે જ આ પુષ્પરૂપી પ્રાર્થનાનો અર્ધ્ય પ્રભુના ધામ પ્રત્યે અર્પી રહ્યા છે.” :
મેં આ લખી લીધા પછી એ બધી અનુભૂતિ ચાલી ગઈ. પણ હવે એ ચેરી-વૃક્ષનું રુધિર મારી નસોમાં વહી રહ્યું છે અને તેની સાથેસાથે એક અતુલિત શાંતિ અને શક્તિ પણ વહી રહ્યાં છે. મનુષ્યના અને વૃક્ષના શરીરની વચ્ચે ક્યો ભેદ છે? વાસ્તવમાં કશો જ નહિ. બંનેની પાછળ ધબકી રહેલી
ચેતના એક જ છે.
અને પછી ચેરી-વૃક્ષે ધીરેકથી મારા કાનમાં કહ્યું :
"વસંતઋતુના ઉપદ્રવોનું ઓસડ છે ચેરી-વૃક્ષનું ફૂલ.”
૨૮ એપ્રિલ ૧૯૧૭
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હે મારા દિવ્ય ગુરુ, આજ રાત્રે આપ આપના અખિલ ઉજ્જવલ પ્રકાશમાં મારી સમક્ષ પ્રગટ થયા છો. આપ એક જ ક્ષણમાં આ સ્વરૂપને સંપૂર્ણપણે વિશુદ્ધ, તેજોમય, પારદર્શક, સભાન બનાવી શકો છો. આપ એને તેના છેલ્લામાં છેલ્લા કાળા ડાઘાઓમાંથી મુક્ત કરી શકો છો, તેની છેલ્લામાં છેલ્લી પસંદગીઓમાંથી છોડાવી દઈ શકો છો. આપ ... પરંતુ આજની રાત્રે આપે એને આપના દિવ્ય તેજપ્રવાહથી અને શબ્દાતીત પ્રકાશથી સભરાભર ભરી દીધું ત્યારે એ વસ્તુ શું આપે કરી દીધી નથી? એ હોઈ શકે છે ... કારણ મારામાં એક આખુંયે સ્વસ્થતા અને વિરાટતાનું બનેલું અતિમાનુષ બળ આવી ગયું છે. તો મારી પ્રાર્થના છે કે આ શિખર પરથી હું નીચે પડી ન જાઉં, મારી પ્રાર્થના છે કે શાંતિ મારા સ્વરૂપની સ્વામિની બનીને સદાયને માટે શાસન કરતી રહે, અને તે માત્ર મારાં ઊંડાણો, કે જેના ઉપર તો એ શાંતિનું શાસન ક્યારનુંયે ચાલી રહ્યું છે તેની અંદર જ નહિ, પરંતુ મારી નાનામાં નાની બાહ્ય પ્રવૃત્તિઓમાં, મારા હૃદયની તથા મારા કર્મની અલ્પમાં અલ્પ અંતર્ગત સ્થિતિઓમાં પણ તે શાસન કરતી થઈ જાઓ.
આપને પ્રણામ કરું છું, હે પ્રભુ, માનવોના હે મુક્તિદાતા!
'જુઓ! આ પુષ્પો છે અને આશીર્વાદ છે! આ દિવ્ય પ્રેમનું સ્મિત છે! એનામાં કશી પસંદગીઓ નથી અને ધૃણાઓ નથી ... એક ઉદાર પ્રવાહમાં તે પ્રેમ સર્વ પ્રત્યે વહી રહ્યો છે અને પોતાની અદ્દભુત બક્ષિસોને તે કદી પાછી લઈ લેતો નથી.'
શાશ્વત મા ભગવતી તીવ્ર આનંદના ભાવમાં પોતાના બાહુઓ વિસ્તારીને, જગત ઉપર પોતાના પવિત્રતમ પ્રેમનું અસ્ખલિત ઝાકળ રેડી રહી છે!
૨૪ સપ્ટેમ્બર ૧૯૧૭
આ પ્રાર્થના | અહીં સાંભળો |
ટોકિયો
તેં મને એક ઘણી કપરી તાલીમમાંથી પસાર કરી છે. તારી પાસે પહોંચાડતી સીડીનાં પગથિયાં એક પછી એક ચડતીચડતી હું તારી પાસે આવી છું અને એ આરોહણનાં શિખર પર તેં મને તારી સાથેની એકરૂપતાનો પૂર્ણ આનંદ ચખાડ્યો છે. અને પછી, તારી આજ્ઞાને માથે ચડાવી, હું પાછી એકેક પગથિયું કરતી નીચે ઊતરી છું, બાહ્ય પ્રવૃત્તિઓ અને ચેતનાની બાહ્ય અવસ્થાઓમાં પાછી ફરી છું. તને શોધવા માટે મેં જે સૃષ્ટિઓનો ત્યાગ કર્યો હતો તેમાં પાછી હું આવી પહોંચી છું. અને અહીં ઠેઠ નીચે, સીડીને છેલ્લે પગથિયે ઊભીને જોઉં છું તો, મારી અંદર તેમ જ બહાર, બધે બધું જ એવું તો નિસ્તેજ, નિષ્પ્રાણ, અતિ પ્રાકૃત, ઉષ્માહીન લાગે છે કે જાણે મારું બધું જ્ઞાન ચાલ્યું ગયું છે ...
જો આ બધાને પરિણામે આ જ સ્થિતિ આવવાની હોય, કે જેને તો લગભગ આખી માનવજાતિ કશી ખાસ સાધના વિના પણ પામી શકે છે, તો પછી આ લાંબી અને ધીમી સાધનાનો શો અર્થ છે? તું મારી પાસે કયું કાર્ય કરાવવા ઇચ્છે છે?
મેં જે જે કાંઈ જોયું છે તે બધું જોયા પછી, મેં જે જે કાંઈ અનુભવ્યું છે તે બધું અનુભવ્યા પછી, તારા જ્ઞાનની અને તારી સાથેના વ્યવહારની અત્યંત પુનિત વેદી સુધી મને લઈ જવામાં આવી છે તે પછી, તેં?મને આવા અતિસામાન્ય સંયોગોમાં એક સાવ સામાન્ય કરણ જેવી કરી મૂકી? સાચે જ, હે પ્રભુ, તારા હેતુઓ અકળ છે, અને મારી સમજણથી પર છે ...
તેં મારા હૃદયમાં તારા સંપૂર્ણ આનંદનો વિશુદ્ધ હીરો ગોઠવી આપ્યો છે, તો પછી હવે શા માટે તું તેમાં બહારથી આવતા પડછાયાઓનું પ્રતિબિંબ પડવા દે છે, અને એમ થવા દઈને, તેં મને આપેલા શાંતિના ભંડારને તું લોકોથી ગુપ્ત જેવો જ રહેવા દે છે, નિષ્ફળ જેવો જ કરી મૂકે છે? ખરેખર આ બધું અગમ્ય છે, અને મારી મતિને મૂંઝવી દે છે.
તેં મને અંતરમાં આવી વિરાટ આંતરિક નીરવતા આપી છે, તો પછી શા માટે તું મારી જીભને આટલી સક્રિય થવા દે છે અને મારા ચિત્તને આવી નકામી ચીજોમાં પરોવાયેલું રહેવા દે છે? શા માટે? ... હું આમ કેટલાયે સવાલો પૂછી શકીશ અને સંભવ છે કે હમેશાં કશાય જવાબની આશા વગર.
મારે તો તારા આદેશને માથે ચડાવી લેવાનો છે, અને એક પણ શબ્દ બોલ્યા વિના મારી સ્થિતિને સ્વીકારી લેવાની છે.
હવે તો માત્ર એક પ્રેક્ષક છું અને આ જગતના મહામકરને તેના પુચ્છનાં ગૂંછળાં અનંત રીતે ઉકેલતો જોઈ રહું છું.
૧૫ ઑક્ટોબર ૧૯૧૭
આ પ્રાર્થના | અહીં સાંભળો |
મારી નિરાશામાં મેં તને પોકાર કર્યો છે, હે પ્રભુ, અને મારા પુકારને તેં જવાબ આપ્યો છે.
મારા અસ્તિત્વના સંયોગો સામે ફરિયાદ કરવાનો મને કોઈ જ હક્ક નથી; એ સંયોગો હું જે છું તેની સાથે શું સુસંગત નથી?
તું મને તારા પરમ વૈભવના ઉંબર પર લઈ ગયો અને મને તારી સંવાદિતાનો તેં આનંદ આપ્યો તે પરથી મેં એમ ધાર્યું કે હું લક્ષમાં પહોંચી ગઈ છું : પણ, સાચી રીતે તો, તેં તારા કરણને તારા પ્રકાશની પૂર્ણ સ્પષ્ટતામાં નિહાળી લીધું છે અને તેને પાછું જગતની કઢાઈમાં ઝબોળી દીધું છે કે જેથી તે નવેસરથી ઓગળી જાય અને વિશુદ્ધ બને.
આ એક અતિ અંતિમ અને વેદનામય એવી અભીપ્સાના કલાકોમાં હું જોઉં છું કે તું મને રૂપાંતરના માર્ગ ઉપર મગજને ઘુમ્મ કરી નાખે તેવા વેગથી ખેંચી જઈ રહ્યો છે અને મારું આખુંયે સ્વરૂપ અનંત પ્રભુની સાથેના એક સભાન સંપર્ક પ્રત્યે રણઝણી રહ્યું છે.
તું મને આ રીતે આ નવી અગ્નિપરીક્ષાને પસાર કરી જવાને માટે ધીરજ અને શક્તિ આપી રહ્યો છે.
૨૫ નવેમ્બર ૧૯૧૭
આ પ્રાર્થના | અહીં સાંભળો |
પ્રભુ, દુઃખની એક દારુણ ઘડીમાં મારી સકલ શ્રદ્ધા ભેગી કરી હું પુકારી ઊઠી : 'તારી ઇચ્છાનો વિજય થાઓ.' અને તારી જ્યોતિના ઝળકતા જામા પહેરી તેં મને દર્શન દીધાં. તારાં ચરણોમાં મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા, તારા હૃદયમાં મને વિશ્રામ મળ્યો. પ્રભુ, તારા દિવ્ય પ્રકાશથી તેં મારા ચેતનને ભરી દીધું છે, તારા પરમ આનંદથી એને છલકાવી દીધું છે. તારી મૈત્રીનો તેં મને ફરી વાર કોલ આપ્યો છે, તારા અખંડ સાંનિધ્યની તેં મને ખાતરી આપી છે. કદીયે છેહ ન દે એવો તું અમારો દૃઢ મિત્ર છે, અમારી શક્તિ, અમારો આધાર, અમારો નેતા છે. અંધકારને વિદારનાર તું પ્રકાશ છે. વિજયની ખાતરી આપનાર તું વિજેતા છે. તારા દર્શન થયા પછી બધું સ્પષ્ટ બની ગયું છે. મારા બળવાન બનેલા હૃદયમાં પાછો અગ્નિ પ્રદીપ્ત થયો છે, એની જ્યોતિ ફેલાવા લાગી છે, વાતાવરણને તે તેજથી ભરી રહી છે, વિશુદ્ધ કરી રહી છે ...
અત્યાર સુધી દબાઈ રહેલો તારે માટેનો મારો પ્રેમ, અગ્નિપરીક્ષામાંથી પસાર થવાને લીધે દસગણી વૃદ્ધિ પામેલો, ફરીથી બહાર ઊછળી આવ્યો છે – શક્તિશાળી, મહાસમર્થ, અદમ્ય. પોતાના એકાંતમાં રહીને એને સપાટી ઉપર આવી જવાનું, સમગ્ર ચેતના ઉપર પોતાનું પ્રભુત્વ ગોઠવી દેવાનું, અને એ ચેતનાની છલકાતી સરિતામાં બધું સમાવી લેવાનું એક બળ મળી આવ્યું છે ...
તે મને કહ્યું છે : 'હું તારી પાસે આવ્યો છું, હવે પાછો જવાનો નથી.'
અને, ભૂમિ ઉપર મારું લલાટ મૂકીને તારા અભયવચનને મેં ઝીલ્યું છે.
વર્ષ : ૧૯૧૮
૧૨ જુલાઈ ૧૯૧૮
આ પ્રાર્થના | અહીં સાંભળો |
એકાએક, તારી સમક્ષ, મારો બધો ગર્વ ગળી ગયો. મને સમજાયું કે પોતાની જાતથી પર થઈ જવાની ઇચ્છા તારા સાંનિધ્યમાં રહીને રાખવી એ કેટલું બધું નિરર્થક છે ... અને હું રડી પડી, ખૂબખૂબ રડી, મોકળા મને રડી. મારા જીવનનાં એ મીઠામાં મીઠાં આંસુ હતાં ...
આહ, એ કેવાં તો મધુર, કેવાં તો મંગલ આંસુ હતાં. એ આંસુએ મારા હૃદયને તારી સમક્ષ મોકળાશથી ખોલી આપ્યું. તારાથી મને વેગળી રાખનાર રહ્યાસહ્યા અંતરાયોને એ આંસુએ એક અભુત પળમાત્રમાં પીગળાવી નાખ્યા!
અને હવે તો હું જોકે રડતી નથી, છતાં તારું સાંનિધ્ય મને નિકટમાં લાગે છે, એટલું બધું તો નિકટમાં લાગે છે કે મારું આખુંયે સ્વરૂપ આનંદથી કંપાયમાન બની રહે છે.
તો મારી સ્તુતિ મને મારા બાલકંઠે ગાઈ લેવા દો :
એક બાળકના જેવા આનંદથી મેં તને પ્રાર્થના કરી છે, “શ્રદ્ધાના ઓ પરમ અને એકમાત્ર ધામ, તને અમે જે કાંઈ કહી શકીએ તેની તો તને પહેલેથી જ ખબર હોય છે, કેમ કે તે પોતે જ અમારા કથનનું મૂળ છે!"
"ઓ પરમ અને એકમાત્ર મિત્ર, અમે જેવાં છીએ તેવાં જ તું અમને સ્વીકારી લે છે, તું અમને એ જ રૂપે ચાહે છે,, અમારી એ સ્થિતિને બરાબર સમજે છે, કારણ કે તેં પોતે જ અમને આવાં બનાવ્યાં છે!"
"ઓ પરમ અને એકમાત્ર પથદર્શક, અમારા ઊર્ધ્વ સંકલ્પનો તું કદી વિરોધ કરતો નથી. કેમકે તું પોતે જ એ સંકલ્પમાં બેસીને સંકલ્પ આદરતો હોય છે!"
"અમે જે અમારી વાતનો કોઈ સાંભળનાર, અમને સમજનાર, પ્રેમ કરનાર, પથ દર્શાવનાર માગીએ છીએ તેની ખોજ તારા સિવાય બીજે ક્યાંય કરવી એ તો મૂર્ખતા છે; કારણ અમને સાંભળવાને, સમજવાને, અમને પ્રેમ કરવાને, પથ દર્શાવવાને તું હમેશાં હાજર છે. તું અમને કદી નાસીપાસ કરનાર નથી!"
“એક પૂર્ણ શ્રદ્ધામાં, એક અનન્ય સુરક્ષિતતામાં, એક સમગ્ર, મોકળા, વિશુદ્ધ અને કશાયે આયાસ કે સંકોચ વિનાના સમર્પણમાં કેવો તો પરમ અને ભવ્ય આનંદ રહેલો છે એ જ્ઞાન તેં મને આપ્યું છે."
"અને એક બાળક પેઠે આનંદિત બનીને, ઓ મારા પ્રિયતમ, હું એકી સાથે તારી સમક્ષ હસી છું અને રડી છું!”
વર્ષ : ૧૯૧૯
૩ સપ્ટેમ્બર ૧૯૧૯
આ પ્રાર્થના | અહીં સાંભળો |
ઓઈવાકે
મેં કેટલાયે બધા પ્રેમ અને કાળજીપૂર્વક તૈયાર કરેલું ભોજન લેવાની એ માણસે ના પાડી એટલે પછી મેં પ્રભુને એ સ્વીકારવાની પ્રાર્થના કરી.
મારા પ્રભુ, તેં મારું આમંત્રણ સ્વીકાર્યું છે, તું મારા ટેબલ પર બેસવા આવેલો છે, અને મારા રંક અને વિનમ્ર અર્પણના બદલામાં તેં મને અંતિમ મુક્તિનું દાન આપ્યું છે. વેદના અને ચિંતાથી ભારે બનેલું મારું આજ સવારનું હૃદય, જવાબદારીના ભારથી લદાયેલું મારું મગજ, એ બન્ને પોતાના બોજામાંથી મુક્ત થઈ ગયાં છે. હવે એ બન્ને, લાંબા સમયથી હળવા અને આનંદસભર રહેલા મારા આંતરસ્વરૂપ જેવા બની ગયાં છે. તારું દર્શન થતાં જેમ મારો આત્મા હસી ઊઠતો, તેમ હવે મારું શરીર પણ તને જોતાં આનંદથી હસી ઊઠે છે.
હે મારા પ્રભુ! હવે તો તું મારી પાસેથી આ આનંદ પાછો નહિ જ ખેંચી લે એમ પ્રાર્થ છું. કારણ આ વેળા તો, હું માનું છું કે મને પૂરેપૂરો પાઠ મળી ગયો છે. એક પછી એક મારી સઘળી ભ્રાન્તિઓનાં દુઃખ ભોગવીને મેં તેમનું વિસર્જન કરી દીધું છે. જેથી મારો મૃત આત્મા પુનર્જીવનનો અધિકારી થઈ તારા જ્યોતિર્મય ધામમાં હવે પ્રવેશ પામશે જ. આખો ભૂતકાળ લય પામી ગયો છે. એમાંથી માત્ર એક સમર્થ પ્રેમ જ અવશિષ્ટ રહ્યો છે. એ પ્રેમે મને બાળકનું વિશુદ્ધ હૃદય આપ્યું છે અને દેવના ચિત્તનું લાઘવ અને સ્વાતંત્ર્ય આપ્યું છે.
વર્ષ : ૧૯૨૦
૨૨ જૂન ૧૯૨૦
આ પ્રાર્થના | અહીં સાંભળો |
પોંડિચેરી
એકેય શબ્દમાં ન મૂકી શકાય એવા આનંદનું મને દાન કર્યા પછી, તેં મને, હે મારા પ્રિયતમ પ્રભુ, સંઘર્ષ, અગ્નિપરીક્ષા મોકલી આપ્યાં છે અને આને પણ મેં તારા એક મોંઘેરા દૂત તરીકે સ્મિત વડે વધાવી લીધાં છે. પહેલાં તો, મને સંઘર્ષનો ભય લાગતો હતો, કેમ કે એને લીધે મારામાં સંવાદિતા અને શાંતિ માટે રહેલા પ્રેમ ઉપર આઘાત થતો હતો. પરંતુ હવે, હે મારા પ્રભુ, હું તેને આનંદથી વધાવી લઉં છું : એ તારા કાર્યના રૂપોમાંનું એક રૂપ છે, કાર્યનાં અમુક તત્વો, ,કે જે બીજી રીતે ભુલાઈ ગયાં હોત, તેમને પાછાં પ્રકાશમાં લઈ આવવા માટેનું એ એક સર્વશ્રેષ્ઠ સાધન છે, અને તે પોતાની સાથે વિપુલતાનો, સંકુલતાનો, શક્તિનો એક ભાવ લઈ આવે છે. અને મેં તને આ સંઘર્ષને ઉત્તેજિત કરનાર તરીકે, તેજોમય રૂપે નિહાળ્યો છે, તો એ જ રીતે હું તને ઘટનાઓના ગૂંચળાને, વિસંવાદી વૃત્તિઓને ઉકેલનાર તરીકે અને છેવટે જતાં તારા પ્રકાશને અને તારી શક્તિને ઢાંકી દેવાનો પ્રયત્ન કરતાં સર્વ તત્વો ઉપર વિજય પ્રાપ્ત કરનાર તરીકે જોઈ રહી છું : કેમ કે એ સંઘર્ષમાંથી તારો પોતાનો એક વધુ સંપૂર્ણ સાક્ષાત્કાર ઉદય પામવો જ જોઈએ.
વર્ષ : ૧૯૩૧
૨૪ નવેમ્બર ૧૯૩૧
આ પ્રાર્થના | અહીં સાંભળો |
હે મારા પ્રભુ, મારા મધુર ગુરુ, તારું કાર્ય સિદ્ધ કરવા માટે હું જડતત્વનાં ઠેઠ અગાધ પેટાળમાં નીચે સુધી જઈ પહોંચી છું. મારા પોતાના હાથ વતી મેં અચેતનતા અને જૂઠાણાની ભયાનકતાનો સ્પર્શ કર્યો છે, જે પરમ અંધકાર અને વિસ્મૃતિનું ધામ છે. પરંતુ મારા હૃદયમાં તારી સ્મૃતિ જીવતીજાગતી હતી. મારા હૃદયમાંથી પુકાર તારી પાસે પહોંચતો હતો : “પ્રભુ, પ્રભુ, હરેક સ્થળે તારા શત્રુઓનો વિજય થતો દેખાય છે. જગત ઉપર અસત્યની આણ ફરી વળી છે. તારા વિનાનું જીવન મૃત્યુ જેવું, સનાતન નરક બની રહ્યું છે. શંકા આશાનું સ્થાન પચાવી બેઠી છે, વિરોધવૃત્તિએ શરણભાવને હાંકી મૂક્યો છે, શ્રદ્ધા ક્ષીણ થઈ ગઈ છે, કૃતજ્ઞતાનો જન્મ થવો હજી બાકી છે; અંધ આવેશોએ, ખૂનખાર વૃત્તિઓએ અને દોષિત દુર્બળતાએ તારા પ્રેમના મધુર શાસનને છાવરી લીધું છે, ગૂંગળાવી દીધું છે. પ્રભુ, તારા શત્રુઓનો તું શું વિજય થવા દઈશ? અસત્ય, કુરૂપતા અને વેદનાને તું શું વિજય પામવા દઈશ? પ્રભુ, અમને વિજયકૂચ માટે તું આદેશ આપ અને વિજય આવીને ઊભો રહેશે. હું જાણું છું કે અમારામાં પૂરો અધિકાર નથી. હું જાણું છું કે જગત હજી તૈયાર નથી. પરંતુ તારી કરુણામાં અનન્ય શ્રદ્ધા રાખી હું તને પુકારું છું અને જાણું છું કે તારી કરુણા અમને બચાવશે.”
આમ, મારી પ્રાર્થના તારા તરફ વેગથી આરૂઢ થવા લાગી. અને ગહનતાના પેટાળમાંથી તારું જ્યોતિર્મય ભવ્ય સ્વરૂપ પ્રગટ થતું હું જોઈ રહી. સાચે જ તારાં દર્શન થયાં અને તેં મને કહ્યું : “હિંમત ન હારીશ, દૃઢ થા, શ્રદ્ધા રાખ,
– હું આવું છું.”
વર્ષ : ૧૯૩૭
૨૩ ઓક્ટોબર ૧૯૩૭
આ પ્રાર્થના | અહીં સાંભળો |